અમદાવાદઃ દક્ષિણ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવતું તંત્ર

અમદાવાદ- ચારેકોર ફૂલીફાલી રહેલાં શહેરમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો છે જેની સામે પહેલેથી પગલાં લેવામાં કોણ જાણે કેમ તંત્ર આંખ આડા કાન કરે છે અને પછી કંઇ ઘટના બને ત્યારે એકાએક તડી બોલાવાતી હોય છે.એવી એક કાર્યવાહીમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ગેરકાયદે બાંધકામ દૂર કર્યાં હતાં. કોર્પોરેશને અગાઉ નોટિસ બજાવી હતી, પણ પરવાનગી વગર બાંધકામ કરનારે તે બાંધકામને દૂર કર્યું ન હતું. જેથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ-ટીડીઓ ખાતાએ આજે સવારે આ બાંધકામને દૂર કર્યું છે.

અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં આવેલ લાંભા વિસ્તારમાં ઈસનપુરથી નારોલ હાઈવે પર આવેલ સીતારામ એસ્ટેટમાં કુલ 2080 ચોરસફૂટ ક્ષેત્રફળ ધરાવતાં ઈન્ડસ્ટ્રીયલ શેડ જે ગેરકાયદે બાંધેલો હતો, તેને આજે કોર્પોરેશન દ્વારા તોડી પડાયો છે. તેમ જ નરોલ હાઈવે પર કોઝી હોટલની સામે 1200 ચોરસફૂટનું ક્ષેત્રફળ ધરાવતા આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળા ઈન્ડસ્ટ્રીયલ બાંધકામને તોડી પડાયું છે.

ઉપરોક્ત બંને બાંધકામ કરનારને ધી બીપીએમસી કલમ 260 અન્વયે નોટિસ આપીને બાંધકામ દૂર કરવા જણાવાયું હતું, પણ તેઓએ જાતે બાંધકામ દૂર ન કરતાં આજે મંગળવારે સવારે દબાણ વિભાગના સ્ટાફ, એસ્ટેટ ખાતાના અધિકારીઓ, બે દબાણ વાન, 1 જેસીબી મશીન, 1 જેસીબી બ્રેકર અને 20 મજૂરોએ ગેરકાયદે બાંધકામને તોડી પડાયું છે. કોર્પોરેશને વધુમાં જણાવ્યું છે કે અમદાવાદમાં ગેરકાયદે બાંધકામને તોડવાની ઝૂંબેશ ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]