અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં 20 મે, 2025થી ગેરકાયદે દબાણ હટાવવાનો બીજો તબક્કો શરૂ થશે. નવા તબક્કામાં લગભગ 2.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારના અનધિકૃત બાંધકામો તોડવામાં આવશે. આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને પોલીસ અધિકારીઓએ આ ડિમોલેશનની પ્રક્રિયાને લઈ આયોજન બનાવવામાં આવ્યું. અગાઉ પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણ હટાવાયા હતા, જેમાં 4,000 ઝૂંપડીઓ તૂટી હતી.
ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે પ્રવૃત્તિઓ, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની અનધિકૃત વસાહતોનું કેન્દ્ર બન્યો છે. 2025માં અત્યાર સુધી 250 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ થઈ, જેમાં 207 ચંડોળા વિસ્તારમાંથી પકડાયા. 200થી વધુને દેશનિકાલ કરાયા છે. AMC અધિકારીઓ અનુસાર, આ ઝુંબેશ શહેરી વિકાસ અને ગુનાખોરી રોકવા માટે જરૂરી છે.
બીજા તબક્કામાં 3,000થી વધુ પોલીસકર્મીઓ અને 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો તૈનાત થશે, જેઓ સુરક્ષા અને કામગીરીની સરળતા સુનિશ્ચિત કરશે. AMCનો અંદાજ છે કે દબાણની માત્રાને જોતાં કામગીરીમાં 2-3 દિવસ લાગશે. વિસ્થાપિત પરિવારો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પણ થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંડોળા તળાવ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું ગઢ બન્યો છે. આ ડિમોલિશનથી શહેરની સુરક્ષા અને વિકાસને નવું બળ મળશે.
