અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને વિશ્વના વિવિધ દેશોમાં રોડ શો સહિતના કાર્યક્રમો તેમજ શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી રહી છે, ત્યારે શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠ સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેનિયાની મુલાકાતે ગયું હતું. જેમાં શિક્ષણ, ઉદ્યોગ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.ડૉ. શેઠે આ મુલાકાત વિશે કહ્યું હતું કે ભારત અને આફ્રિકા વેપાર ક્ષેત્રે મહત્વના ભાગીદાર દેશ રહ્યાં છે. આફ્રિકામાં વર્ષોથી વસતા ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતાના કારણે આફ્રિકાના વિકાસમાં ગુજરાતી-ભારતીયોનું મોટું પ્રદાન રહ્યું છે.આફ્રિકા-ભારતના સબળ રાજકીય નેતૃત્વને પરિણામે બંને વચ્ચે સાંસ્કૃતિક આર્થિક અને રાજદ્વારી સંબંધો વધુ સુદૃઢ બન્યા છે. તેને વધારે મજબૂત બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ રાજ્યના માનનીય મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સીધી સૂચના અનુસાર પ્રતિનિધિમંડળોને વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યા હતા. તેમાં મને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. અમારા પ્રતિનિધિમંડળે ગત 4થી 14 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દેશોની મુલાકાત લીધી હતી. રાજ્યના અગ્રસચિવ જે.પી. ગુપ્તાના વડપણ (કન્વીનરપદ) હેઠળ પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોમાં ઉચ્ચ અધિકારી અવિનાશ જોશી, મેઘમણિ ઓર્ગેનિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર જયંતી પટેલ, રિલાયન્સના સિનિયર જનરલ મેનેજર ગુંજન શેઠ, ગિરીરાજ ટેક્ષ્ટાઈલ્સના ડિરેક્ટર અપૂર્વ શાહ, સાલ હૉસ્પિટલના વાઈસ પ્રેસિડન્ટ ચિરાગ રાજપુત, આકાશ સિરામિક્સના રાજેશભાઈ અખાણી, સોલારિયમ સિરામિક્સના રાજેશભાઈ ગોધાણી, સિલ્વર ટચ ટેકનોલોજીસના ડિરેક્ટર મિનેશ દોશી અને સાલ સ્ટીલના રાકેશ રંજનનો સમાવેશ થતો હતો.
ગુજરાતના આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણેય દેશોના પ્રધાનો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ કેળવણીકારો સાથે વિચારવિમર્શ કરીને અને ભારત સાથે તે ત્રણેય દેશોના સંબંધો કેવી રીતે વધારે સુદૃઢ બની શકે તેની રૂપરેખા ઘડી કાઢી હતી. આ પ્રતિનિધિમંડળે નૈરોબીના રાષ્ટ્રીય મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે સંકળાયેલા પ્રિટોરીયા કે જોહાનિસબર્ગની મુલાકાત પણ લીધી હતી. ડર્બનમાં પ્રતિનિધિમંડળ ભારતીયો સમક્ષ વાઈબ્રન્ટ ગુજરાતની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરી હતી અને તેઓને ઉદ્યોગો ઉપરાંત શિક્ષણ, ખાણખનિજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, કમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, લાઈફ સાયન્સ (ફાર્મા અને આરોગ્ય), હાઉસિંગ, કાપડ , ફૂડ પ્રોસેસિંગ અને ઊર્જા સહિતના ક્ષેત્રોમાં પરસ્પર મૂડીરોકાણની તકો વિશે વિચારવિમર્શ કર્યો હતો.
ડૉ. શેઠે જણાવ્યું હતું કે હાલમાં દક્ષિણ આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓ સહિત કુલ 350 વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુની કૉલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સંબંધો વધારે મજબૂત થાય તેના માટે હું તે ત્રણેય દેશોની વિવિધ યુનિવર્સિટીઓની મુલાકાતે પણ ગયો હતો અને તેમાં શિક્ષણ પદ્ધતિ વિશે કેળવણીવિદો સાથે ચર્ચા પણ કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ પરિષદ દરમિયાન તે દેશોના પ્રતિનિધિઓ ગુજરાત આવે અને અરસપરસ સહયોગ વધારવા અંગેના કરારો થાય તે તમામ પાસાંઓને અમારી આ મુલાકાત દરમિયાન આવરી લેવામાં આવ્યા હતા.