અંબાજીમાં વેપારીઓ પોલિસ સાથે આ મુદ્દે ઊતર્યાં ઘર્ષણમાં…

અંબાજી– ભાદરવી પૂનમનો મેળો સાવ ઢૂકડો છે અને વેપારીઓ ધંધારોજગારને લઈને તંત્ર સાથે ઘર્ષણમાં ઊતરી રહ્યાં છે. ગઈકાલથી શરુ થયેલ આ મુદ્દો આજે તુલ પકડી રહ્યો છે. અંબાજીમાં આજે પણ બજારો બંધ રાખવામાં આવ્યાં છે. વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મુદ્દે ભારે વિરોધ દર્શાવી રહ્યાં છે.


પ્લાસ્ટિક પ્રતિબંધનાં મુદ્દે ભારે રોષ વ્યક્ત કરતાં અંબાજી ખોડીવડલી સર્કલ ઉપર ટાયરો સળગાવી ભારે સૂત્રોચ્ચાર પણ કર્યાં હતાં. રસ્તા પર ચક્કાજામ, કલેકટર અને ડીડીઓ વિરુદ્ધ નારાબાજી વધતાં પોલિસ કાયદો વ્યવસ્થા જાળવવા દોડી આવી હતી. આ સમયે પોલિસ સાથે વેપારીઓ ઘર્ષણમાં આવતાં ભીડ વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

ગઈકાલે અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લેવા દરોડા પાડવામાં આવતાં વેપારીઓ આ કાર્યવાહીને કનડગત માની રહ્યાં છે અને વેપારધંધા બંધ કરી વિરોધ પ્રદર્શન પર ઊતરી આવ્યાં છે. વેપારીઓની માગણી છે કે ૨૦ માઈક્રોન ઉપરની પ્લાસ્ટિકની કેરી બેગનો ઉપયોગ કરવા દેવામાં આવે.

વેપારીઓ અને પ્રશાસન આ પ્રકારના વાતાવરણને લઇને ભાદરવી પૂનમના મેળા દરમિયાન મામલો સચવાય તેવા પ્રયત્ન હાથ ધરવામાં ન આવે તો વેપારીઓ ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે જેને લઇને યાત્રિકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]