અમદાવાદ – ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘વાયુ’ એની દિશા બદલીને ગુજરાત ત્રાટક્યા વગર દૂર થઈ ગયું એને કારણે રાજ્ય મોટા નુકસાનમાંથી બચી ગયું, ઘણી રાહત થઈ છે, પરંતુ આ વાવાઝોડાની અસરને કારણે રાજ્યના 762 ગામડાઓમાં અને 60 લાખ જેટલા લોકોને અસર જરૂર થઈ છે.
‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા પરના આકાશમાં કેન્દ્રિત થયું હતું એને કારણે ફૂંકાયેલા જોરદાર પવન અને ભારે વરસાદ પડવાને લીધે રાજ્યના 762 ગામોમાં અસર થઈ છે.
વેરાવળ માછીમાર સમાજના પ્રમુખ અનવર પટેલે કહ્યું કે ભારે પવન અને દરિયાનાં આક્રમક બનેલાં મોજાંઓને કારણે વેરાવળના જલેશ્વર વિસ્તારમાં 40-45 બોટને નુકસાન થયું છે.
લોકોને બચાવવાના પ્રયાસો રૂપે માછીમાર સમાજે 156 બોટ સેવામાં ઉતારી હતી.
ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ જ છે અને વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું ચાલુ રખાશે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળા-કોલેજો આજે પણ બંધ રખાઈ છે.
ગઈ કાલે સુત્રાપાડા તાલુકાના ધામરેજમાં પવનની ગતિ પ્રતિ કલાક 114 કિ.મી.ની નોંધાઈ હતી.
આમ, ગુજરાત ‘વાયુ’ના પ્રકોપમાંથી આબાદ ઉગરી ગયું છે, પણ એની અસર હજી ચાલુ છે.
અસરગ્રસ્ત લોકો માટે 2,281 શેલ્ટર હોમ્સ બનાવવામાં આવ્યા છે.
વલભીપુર, જાફરાબાદ, ભાવનગર, રાજુલા, તળાજા, પાલીતાણા, લાઠી, અમરેલી, મહુવા, ગઢડા, ઉમરાળા સહિત 12 તાલુકાઓમાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.
ક્યાંયથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઉનામાં અર્જણ પરમાર નામના એક માછીમાર લાપતા છે.
પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં સદીઓ જૂના મનાતા ભૂતેશ્વર મહાદેવ મંદિરનો એક ભાગ ભારે પવન અને દરિયાનાં મોજાંને કારણે ધ્વસ્ત થયો છે.