વાયુ વિસ્થાપિતોને પરત મોકલવાનું શરુ,કેશડોલ અપાશે, સાંજ સુધીમાં બધું પૂર્વવત…

0
1734

અમદાવાદ- વાયુ સંપૂર્ણપણે ફંટાઈ ગયું હોવાથી રાજ્ય સરકારે તમામ વ્યવસ્થાઓ ડિસ્ચાર્જ કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સાથે જ જાહેરાત કરી છે કે વાયુના જોખમને પગલે વિસ્થાપિત કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે. સરકાર પુખ્ત વ્યક્તિને રૂ.60 અને બાળકોના રૂ.45 કેશડોલ ચૂકવશે. આગામી 3 દિવસ સુધી સરકાર કેશડોલ ચૂકવશે.

સીએમ રૂપાણી આજે સવારે કંટ્રોલ રૂમમાં પરિસ્થિતિનો ફાઇનલ રિવ્યૂ કર્યો. આપણે આફતમાંથી મુક્ત થયા છીએ. વાયુ સંપૂર્ણપણે પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે. જેથી અધિકારી અને પ્રધાનોને બપોર પછી પરત બોલાવીએ છીએ. વિસ્થાપિત કરાયેલા 3 લાખ લોકોને પરત તેમના ઘેર મોકલાશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, 2000 ગામમાંથી 144 ગામને બાદ કરતા તમામ ગામોમાં વીજ પુરવઠો નોર્મલ છે. રોડ રસ્તામાં જ્યાં સમસ્યા હતી તે નોર્મલ થઈ ગયું છે. સાંજ સુધીમાં એસટીની સુવિધા પણ રેગ્યુલર થઈ જશે.

તેમણે કહ્યું, “આવતીકાલથી શાળા કોલેજ પણ શરૂ થઈ જશે. આપણે સોમનાથ દાદા, કાળિયા ઠાકર, હર્ષદ માતા સૌના આશીર્વાદથી આપણે મોટી આફતમાંથી બહાર આવી ગયા છે. આફત સામે લડવાની તૈયારીનો મોટો અનુભવ ગુજરાત સરકારને મળ્યો છે. ભવિષ્યમાં બીજા લોકોને કામ લાગે એ પ્રમાણે આખી કવાયત અને જેટલું શીખવાનું મળ્યું અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો બોધ મળ્યો છે.”

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 199 બહેનોને પ્રસૂતિ થઈ છે અને હેમખેમ થઈ છે. તંત્રએ નાની બાબતોની ચિંતા કરી હતી. યાર્ડમાં અનાજ પલળે નહીં, ખેતી વાડી વિભાગથી માંડીને બાળ અને મહિલા કલ્યાણ વિભાગ કામે લાગ્યું હતું.

વધુમાં જણાવ્યું કે સંભવિત વાયુ વાવાઝોડાએ ટર્ન લીધો છે તેમ છતાં ઇવોપરેશન થાય અને ભારે વરસાદ પડે તો હાલની સર્તકતા અને સુરક્ષિત સ્થિતિ જળવાઇ રહે એ માટે સંબંધિત જિલ્લા તંત્રોને આદેશો આપ્યા છે. હવામાન ખાતા સાથેના સતત સંકલન અને તેમના તરફથી મળતા અપડેટને કારણે દર બે કલાકે રાજ્યમાં આ સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતિનું સઘન મોનિટરીંગ રાજ્ય સરકારે કર્યુ છે.

મુખ્યપ્રધાને રાજ્યમાં જે ગામોમાં વીજ પૂરવઠો સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો તે હવે મહદઅંશે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે તેની જાણકારી આપતા એમ પણ કહ્યું કે હજુ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ અને અમરેલી આ ચાર જિલ્લાઓમાં સંબંધિત જિલ્લા તંત્રો વધુ સાવચેતી રાખી રહ્યાં છે.