બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર પ્રથમ મહિલા ગ્રુપ

સૂરત- ઐતિહાસિક સફર પર નીકળેલી સૂરતની બાઈકિંગ ક્વીન્સ 12 જૂને માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે પહોંચી હતી. આ સાથે જ એવરેસ્ટ બેઝ કેમ્પ( ચાઈના બાજુ) પર બાઈક પર પહોંચનારુ આ પ્રથમ મહિલા ગ્રુપ પણ બન્યું છે. ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી 25 દેશોના પ્રવાસ પર નીકળેલી આ 3 મહિલાઓના ગ્રુપે તિબ્બત ક્ષેત્રમાં પ્રવેશ કરીને તેમની બાઈકો સાથે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી હતી.

બાઈકિંગ ક્વીન્સના શોધક ડો. સારિકા મહેતાએ કહ્યું કે, ચીનના તિબેટમાં એવરેસ્ટ બેઝ કેમ્પ-નોર્થ સાઈડ પહોંચવા માટે અમે બાઈક પર 5200 મીટર(17,056)ની ઊંચાઈએ ચઢ્યા હતાં. આટલી ઉંચાઈ પર બાઈક રાઈડિંગ કરવું ઘણુ મુશ્કેલ હતું, શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાની સાથે ઠંડીને કારણે રાઈડિંગ વધુ મુશ્કેલ બની ગઈ હતી. જોકે અમે સુરક્ષિત રીતે ડ્રાઈવિંગ કરીને બેઝ કેમ્પ સુધી પહોંચવાનું લક્ષ્ય પાપ્ત કર્યું.

મહત્વનું છે કે, બાઈક રાઈડિંગ ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત થઈ ચૂકેલી સૂરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ ઐતિહાસિક સફર પર નીકળી છે. સૂરતની આ 3 યુવતીઓ તેમની યાત્રા ભારતની શરુ કરીને 25થી વધુ દેશોનો પ્રવાસ ખેડીને ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પૂર્ણ કરશે.

એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ બાઈકિંગ કવીન્સ પસાર કરશે. આ ઐતહાસિક બાઈક રેલીને ગત 5મી જૂનના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફ્લેગઓફ કરી હતી.

બાઈકિંગ કવીન્સની અત્યાર સુધીની આ સૌથી લાંબી અને કઠિન યાત્રા છે, ભારત, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ, ચીન, કીર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લેટિવીયા, લિથુનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, મોરક્કો અને યુનાઇટેડ કિંગડમમાં આ યાત્રા પુરી થશે.

આ અનોખા સાહસ  સાથે ‘ચિત્રલેખા’ મિડિયા પાર્ટ્નર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરના પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમ જ ડિજિટલ ‘ચિત્રલેખા’માં આપતું રહેશે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]