ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ, 5 ખાનગી હોસ્પિટલોને સમન્સ

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. હવે ક્રાઈમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આરોપી ડો. પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલવામાં આવતી હતી. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. PMJAY દ્વારા રૂપિયા 16 કરોડથી વધુની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજુરી મેળવતા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં રહેલા દર્દી અને હોસ્પિટલે કરેલી સારવાર અંગે તપાસ કરવાની સત્તા છતાં નિદ્રાધીન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાને ઝટકો આપ્યો છે અને સંજય પટોળીયાના જામીન ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન રહ્યું છે.