અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના નવા નોંધવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના વાઇરસ માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં નોંધાતા કેસમાં સૌથી વધુ નવા કેસ અમદાવાદમાંથી નોંધાઈ રહ્યા છે. હવે ફરી એકવાર ખાલી પડેલી પ્રાઇવેટ કોવિડ-19 હોસ્પિટલોના બેડ 81 ટકા જેટલા ભરાઈ ગયા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ નવ વિસ્તારોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. આ વધારા સાથે શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો કુલ આંક 54 પર પહોંચ્યો છે. થલતેજમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરના કુલ 44 ફ્લેટનો માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ગયા વર્ષે નવેમ્બરમાં અને હવે ફરી એક વાર માર્ચની શરૂઆત સાથે કેસ સતત વધી રહ્યા છે. દૈનિક કોરોના દર્દીઓમાં પણ 1 માર્ચથી 7 માર્ચ વચ્ચે 35 ટકા જેટલો વધારો થયો છે.અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ દાવો કર્યો હતો કે સંસ્થાની સભ્ય હોસ્પિટલોમાં 16 ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ સુધી 15 દિવસમાં 100થી 200 સુધી કેસોનો ઉમેરો નોંધાયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા જણાવે છે કે ગુજરાતમાં 3,140 સક્રિય કેસોમાંથી 721 અથવા 23 ટકા કેસ સાત માર્ચ સુધીમાં એકલા અમદાવાદના હતા.
નિષ્ણાતોએ આ ઉછાળા માટે લોકોની વધતી જતી ભીડને જવાબદાર ગણાવી છે, જેની શરૂઆત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રેલીઓ અને સભાઓથી થઈ છે જે મતદાનના દિવસે પણ ભીડ સ્વરૂપે જોવા મળી હતી. આ ઉપરાંત આ સમયગાળો લગ્ન સીઝન હોઈ લોકો મેળાવડામાં ભેગા થાય છે.
