રાજ્યમાં કોરોનાના 16 મ્યુટન્ટઃ શહેરમાં સલૂનો પણ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે અને અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે હવે શહેરમાં સંક્રમણને ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કર્યા છે. શહેરમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ હવે અમદાવાદમાં હેર કટિંગ સલૂનની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો વિવિધ વિસ્તારોમાં હેર કટિંગ સલૂનની દુકાનો બંધ કરાવવા નીકળી હતી.અમદાવાદમાં ઘણા સમય પહેલાં જ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ તો બંધ કરાવી જ દેવામાં આવ્યા છે  અને મોટા ભાગનાં બજારો પણ સ્વયંભૂ બંધ છે, ત્યારે સૂત્રોના ઉચ્ચ સ્તરેથી મળેલા મૌખિક આદેશ પર શહેરમાં સલૂનો બંધ કરાવવામાં આવ્યા છે.

શહેરમાં રોજના 5000થી વધુ કોરોનાના નવા કેસો આવી રહ્યા છે. જેથી લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તેવામાં સલૂનો પર જતા લોકોની સંખ્યામાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના 16 મ્યુટન્ટ

રાજ્યમાં કોરોનાનો આતંક મચાવવા માટે જવાબદાર કોરોનાનો ડબલ મ્યુટન્ટ વાઇરસ SARS-CoV-2 B.1.617 ના પણ 16 જુદા-જુદા વેરિયન્ટ્સ ગુજરાતમાં છે. રાજ્યમાં કોરોનાના યુકે વેરિયન્ટ SARSCoV-2 B.1.1.7 ના 25 જેટલાં વર્ઝન જોવા મળ્યાં છે. કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસ પ્રકાર B.1.617ની રાજ્યમાં હાજરી આ વર્ષે પહેલી વાર 2 ફેબ્રુઆરીએ નોંધવામાં આવી હતી. જ્યારે ત્રણ સેમ્પલ ટેસ્ટિંગમાં ડબલ મ્યુટન્ટ વાઇરસ માટે પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 3 ફેબ્રુઆરીએ બે સેમ્પલ મળ્યા અને તે પછી 6 ફેબ્રુઆરીએ બીજા 3 સેમ્પલ મળ્યા જેમાં ડબલ મ્યુટન્ટ વાયરસ જોવા મળ્યો હતો.