ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. હાલ ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં કેસ બમણા થવાનો દર ખૂબ ઊંચો છે. અમદાવાદમાં હાલ જ્યાં દર ચાર દિવસે કેસ બમણા થઈ જાય છે ત્યારે ગુજરાતમાં આ સરેરાશ છ દિવસની છે.રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાત જેટલી જ વસતી ધરાવતા દેશો કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. ઈટાલી અને સ્પેનની વસતિ ગુજરાત જેટલી જ છે. સમયસર લોકડાઉન થતા ઘણો ફાયદો મળ્યો. ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટનો જથ્થો પણ ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3071 પર પહોંચી છે. રાજ્યમાં 30 જિલ્લામાં કોરોનાનો કહેર છે, સુરેન્દ્રનગરમાં ગઈકાલે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ગુજરાતમાં 2656 દર્દીઓની હાલત અત્યારે એકદમ સારી છે. ગુજરાત હાલ 35માં દિવસમાં છે અને આટલા સમયમાં સ્પેનમાં 50 હજારથી પણ વધુ કેસ નોંધાયેલા છે. ભારતમાં તાપમાન સાનુકૂળ છે. ગુજરાત જેટલી વસ્તી ધરાવતા દેશોમાં સૌથી વધુ કોરોનાનો કહેર છે.
ભાવનગર, ખેડા પાટણમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ગઈકાલે પ્રથમ કેસ નોંધાયો હતો. તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં 2,656 કેસ એક્ટિવ છે. જેમની સારવાર ચાલુ છે અને 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 133 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય જયંતિ રવિએ કહ્યું કે બીજા દેશોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે.