કોરોનાની રી-એન્ટ્રી? ગુજરાતીઓ સાવધાન!

5 જૂન, 2025ના રોજ અમદાવાદમાં 70 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે. શહેરમાં અત્યાર સુધી કુલ 471 કેસ નોંધાયા છે, જેમાં 320 કેસ એક્ટિવ છે. 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં, વાસણા, પાલડી, આશ્રમ રોડ, વાડજ, ચાંદખેડા, ઘાટલોડિયા, થલતેજ, બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં 200થી વધુ કેસ નોંધાયા છે, જે મોટો પડકાર બની રહ્યો છે. રાજ્યભરમાં કુલ 508 એક્ટિવ કેસ છે જેમાંથી માત્ર 18 દર્દીઓ હોસ્પિટલમાં છે અને બાકીના 490 હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં મોટાભાગે મહિલાઓ છે. તબીબી તંત્ર મુજબ  નવા સબ-વેરિઅન્ટ્સના કારણે સંક્રમણ ફેલાઈ શકે છે, જોકે હજી પણ ઘણા કેસ હળવા સ્વરૂપના છે. તજજ્ઞોએ માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સ અને રેગ્યુલર ચેકઅપ જાળવવાની સલાહ આપે છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સાથે જ મૃત્યુઆંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 મહિલાઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. 4 જૂને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. તે પૂર્વે, 2 જૂને વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષની ગર્ભવતી યુવતીનું શ્વાસ લેવામાં તકલીફના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 28 મેના રોજ દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું પણ મૃત્યુ થયાનું 2 જૂને સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચિંતાજનક ઘટના નોંધાઈ છે જ્યાં વાડજની એક ગર્ભવતી મહિલા સારવાર લઈ રહી હતી. ડિલિવરી પછી મહિલાનું બાળક પણ પોઝિટિવ આવ્યું હતું. પરંતુ સ્થિતિ બગડતા ICUમાં દાખલ કરવાની ફરજ પડી. મહિલાની સ્થિતિ વધુ નાજુક બનતા પરિવારજનોએ મેડિકલ સલાહ વિરુદ્ધ માતા અને બાળકને ડિસ્ચાર્જ કરાવ્યા હતા. ઘરમાં લઈ જતી વખતે માતાનું દુઃખદ અવસાન થયું. સોલા સિવિલમાં કામ કરતાં એક ઇન્ટર્ન ડોક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તબીબી તંત્ર વધુ ચિંતિત બન્યું છે.

આ ઘટનાઓ દર્શાવે છે કે કોરોના હળવો હોય તો પણ ગંભીર પરિણામ આપી શકે છે, ખાસ કરીને જો સમયસર સારવાર ન મળે તો. તબીબો લોકોને સ્વસ્થ રહેવા, લક્ષણો નોંધાતા તુરંત તપાસ કરાવવી અને હોસ્પિટલની સલાહ પ્રમાણે ચાલવાની અપીલ કરી રહ્યાં છે.