અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ સર્જાયો હતો. મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ ખસેડવાનો મુદ્દો વકર્યો છે. જૈન મૂર્તિઓને ખસેડવાના મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા.
અમદાવાદ હેરીટેજ સીટીમાં ઘણી એવી જગ્યા છે, જે વર્ષોથી આસ્થાનું પ્રતિક બની રહ્યા છે. જેમાનું એક ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર છે. આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર સ્થળાંતર થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં દર્શનાર્થે આવે છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.
