તરણેતરના મેળામાં મહિલાના એક ગીત પર ડાન્સને લઈ વિવાદના વંટોળ ઊભા થયા છે. વાત એમ છે કે મેળામાં ભોજપુરી અશ્લિલ ગીત પર મહિલાઓના ઠુમકા લેતો વીડિયો વાયરલ થયો છે. લોકો પુછી રહ્યાં છે કે, જ્યાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ રજૂ થતી હોય છે, ત્યાં આવા અશ્વિલ ડાન્સ કેમ થઈ રહ્યાં છે? આ ડાન્સની મંજૂરી કોણે આપી? ત્યારે હવે આ વાયરલ વિડીયોને લઈ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એક્શન મોડમાં આવ્યા છે. વીડિયો વાયરલ થતાં અને વિવાદ બાદ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તપાસના આદેશ આપ્યાં છે.
મુળુભાઈ બેરાએ તરણેતરના અશ્લિલ ડાન્સ વિશે જવાબ આપતા કહ્યું કે, કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જોકે, મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં જે કોઈપણ આરોપી હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે ખાતરી આપી છે. તરણેતરના મેળામાંથી સામે આવેલી અશ્લિલ ડાન્સના વીડિયો વિશે જવાબ આપતાં અધિક કલેક્ટર આર. એમ. ઓઝાએ કહ્યું કે, તરણેતરના મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીં હરાજી દ્વારા જે-તે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અમે તપાસ કરી રહ્યાં છીએ કે, હરાજી દરમિયાન જ્યાં આ પ્રકારનો અશ્લિલ ડાન્સ થયો હતો, તે પ્લોટ કઈ એજન્સીને ફાળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જે કોઈપણ પ્લોટ ધારક એજન્સી દોષિત સાબિત થશે તેની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.
આ વીડિયો મામલે કલેક્ટરે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા તરણેતરના મેળામાં અશ્લિલ ડાન્સ થયો હોવાની જાણકારી અમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા મળી છે. અમે આ વીડિયોની ખરાઈ કરી રહ્યાં છીએ. ચોટીલા પ્રાંત અધિકારીને આ વિષયે તપાસ સોંપવામાં આવી છે. વીડિયોની ખરાઈ કરાયા બાદ જેના દ્વારા પણ આ કૃત્ય કરવામાં આવ્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
