રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત વધારોઃ દવાની અછત

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ મ્યુકોરમાઇકોસિસે કહેર મચાવ્યો છે. દેશભરમાં 9000 દર્દીઓ પૈકી 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માત્ર ગુજરાતમાં છે. રાજ્યમાં 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સામે કેન્દ્રએ માત્ર 5800 ઇન્જેકશનનો જથ્થો પૂરો પાડ્યો છે. છતાં પણ રેમડેસિવિરની જેમ જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસિન-બી ઈન્જેકશનની પણ ભારે અછત સર્જાઈ રહી છે. 

રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ અમદાવાદમાં છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ નવ વોર્ડ કાર્યરત છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિવિલમાં રાત્રે પણ દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કેસના અંદાજે 32-35થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે. બીજી બાજુ આ દર્દીઓ આ રોગના દર્દીઓનાં ઇન્જેક્શનની પણ તીવ્ર અછત સર્જાઈ છે. દર્દીનાં સગાં કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ 500થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 567 દર્દી દાખલ છે. વડોદરાની સિવિલમાં 30 સર્જરી અને 11 નવા કેસ છે અને ગોત્રી હોસ્પિટલમાં 67 સાથે કુલ 185 સારવાર હેઠળ છે.

સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીના જણાવ્યા અનુસાર હાલ સિવિલમાં 432, દાંતના 70 અને સ્પાઇન 16 દર્દી દાખલ છે. સિવિલમાં અત્યાર સુધીમાં 200થી વધુ સફળ સર્જરી કરવામાં આવી છે. સરકારની જાહેરાત મુજબ દર્દીઓનાં સગાં એલજી હોસ્પિટલ પર ઇન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાનાં પાટિયા જોવા મળી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસના એક દર્દીને 60થી લઈ 100 જેટલા એમ્ફોટેરેસિન-બી ઈન્જેકશનની જરૂર સારવાર માટે પડે છે.  પહેલા જે રીતે લોકો રેમડેસિવિર ઇન્જેક્શનો માટે ફાંફાં મારતા હતા, એ જ રીતે દર્દીનાં સગાંઓ હવે મ્યુકોરમાઇકોસિસનાં એમ્ફેટેરેસીન-બી ઇન્જેક્શનો માટે અહીંતહીં ભટકી રહ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]