અમદાવાદઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પણ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે લોકસભા સીટ પર ચૂંટણી લડવા માટે કહ્યું છે. આ બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક છે. જોકે ભરૂચ લોકસભા બેઠક આપને આપવાના કોંગ્રેસના નિર્ણય સામે અહેમદ પટેલના પરિવારે નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવાર ભરૂચમાં નહીં હોય તો તેઓ અન્ય કોઇ પક્ષને ટેકો નહીં આપે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. અહેમદ પટેલ પરિવાર 45 વર્ષથી ભરૂચ લોકસભા બેઠક માટે મહેનત કરી રહ્યો છે. અહેમદ પટેલ સતત ત્રણ વખત આ બેઠક પર જીત્યા હતા. તે 1977, 1980 અને 1984ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર જીત્યા હતા. 1975માં કટોકટી બાદ જ્યારે દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધ લહેર હતી ત્યારે પણ અહેમદ પટેલે અહીંથી કોંગ્રેસને જીત અપાવી હતી.
જોકે 1984 બાદ 1989માં ચૂંટણી થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. એ પછી આગામી સળંગ નવ ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ જાળવી શકી ન હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. 7 જાન્યુઆરીએ ભરૂચમાં એક જનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અહીંથી આપના ઉમેદવાર હશે. એટલે કે ગઠબંધનની જાહેરાત ન થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.થોડા દિવસ પહેલાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જાહેર સભામાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસને આપવી જોઈએ, નહીં તો હું આ ગઠબંધનને ટેકો આપીશ નહીં.