કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરી

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા કામગીરી તેજ થઈ રહી છે. કોંગ્રેસ ગઈ કાલે મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અનેક ઉમેદવારોને પુનઃ ચૂંટણીમાં ઉતાર્યા છે. કોંગ્રેસની આ બીજી યાદીમાં ત્રણ મહિલા ઉમેદવારો અને ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોરે વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે સિનિયર નેતાઓ અને હું ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર કરીશું. કોંગ્રેસમાંથી ‘આપ’માં ફેરો કરી આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસે રાજકોટ-પૂર્વ બેઠક પર ટિકિટ આપતાં હવે ખરાખરીનો જંગ જામશે.

કોંગ્રેસ દ્વારા અબડાસા, માંડવી, ભૂજ, દશાડા, લીંબડી, ચોટીલા, ટંકારા, કાલાવાડ, જામનગર સાઉથ, ખંભાળિયા, જૂનાગઢ, માંગરોળ, સોમનાથ, ઉના, લાઠી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, માંડવી અને તળાજા જેવી બેઠકો પર ઉમેદવારોને પુનઃ ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 17 સિટિંગ ઉમેદવારોને પુનઃ ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને ચૂંટણીમાં ઉતાર્યા છે, જ્યારે મધ્ય ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં બે-બે નવા ઉમેદવારોને તક આપી છે. કોંગ્રેસે અને NCP વચ્ચેના ગઠબંધન વિશે અસમંજસતા પ્રવર્તી રહી છે. જોકે આ વિશે બંને પક્ષો વચ્ચે આજે બેઠક થવાની શક્યતા છે.  NCPના પ્રદેશાધ્યક્ષ જયંત બોસ્કી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની શક્યતા છે. જેમાં ગઠબંધન વિશે ચર્ચા થશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક રાજકારણ રમાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુને લાવવાનો તખતો તૈયાર છે. 12 નવેમ્બરે શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં 12 નવેમ્બરે બાપુ કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા છે.