અમદાવાદ– આવતીકાલનો 12 માર્ચનો દિવસ ઐતિહાસિક દાંડીકૂચના સંભારણાં તરીકે યાદ રહે છે ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં પાંચ દાયકા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના આયોજન માટે પસંદ કર્યો છે. કેન્દ્રીય નેતાગીરીના તમામ હાઈકમાન્ડ સહિત ગુજરાત કોંગ્રેસની યજમાની માણશે. ઉલ્લેખનીય છે કે સીડબ્લૂસી તરીકે જાણીતી આ બેઠક પહેલાં 28 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ એરસ્ટ્રાઈકના પગલે મહિને રદ કરવામાં આવી હતી. આ બેઠક આવતીકાલે સરદાર સ્મારક ભવન ખાતે યોજાઈ રહી છે. જેને લઈને સરદાર સ્મારક ભવન, ગાંધી આશ્રમ અને ત્રિમંદિર ખાતેની જનસભા વગેરેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને પક્ષના સર્વેસર્વા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ ટોચની નેતાગીરી ગુજરાત કોંગ્રેસના આમંત્રણથી વર્કિગ કમિટી બેઠક આવતીકાલે યોજી રહી છે ત્યાં જ ગુજરાત કોંગ્રેસ બરાબર ફિક્સમાં મૂકાઈ ગઈ છે. કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દઈને આશાબહેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા ગઈકાલ સુધીમાં ભાજપમાં વિધિવત જોડાઈ ગયાં છે અને આજે પણ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ પક્ષમાંથી રાજીનામું ધરી દીધાંના તાજા સમાચાર છે.આ સંજોગોમાં કેન્દ્રીય નેતાગીરી સમક્ષ ગુજરાત કોંગ્રેસના આંતરિક વિખવાદ અને બખેડાઓ ઊઘાડા પડી ગયાં છે અને પક્ષ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયો છે.આ સંજોગોમાં કોંગ્રેસ વર્કિગ કમિટી બેઠકના અનુસંધાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે અમદાવાદ આવી રહ્યાં છે. CWC બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, 25થી વધુ દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહેવાના છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કુમારી શૈલજા, શીલા દિક્ષિત, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધારમૈયા, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, કે.સી. વેણુગોપાલ, બાલાસાહેબ થોરાટ જેવા સિનિયર નેતાઓનો સમૂહ આવતીકાલે અમદાવાદમાં આવશે. જ્યારે આજ રાત સુધીમાં 20થી વધુ સિનિયર નેતાઓ અમદાવાદ પહોંચી જશે. મનમોહનસિંહ આવતીકાલે સવારે 9 કલાકે આવશે. કોંગ્રેસ માટે તેના ઈતિહાસમાં ગુજરાતનું કદ કેટલું વધ્યું છે તેની પ્રતીતિ બેઠકની તૈયારીઓને જોતાં અંદાજો લગાવી શકાય છે. કેન્દ્રીય કોંગ્રેસે ગુજરાતમાં યોજાનારી સીડબ્લ્યૂસી બેઠકને લઈને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પણ ગુજરાતી ભાષામાં આ જોવા મળી રહ્યું છેઃ