રાહુલને અમરેલી કોંગ્રેસની વિશેષ ભેટ, તમામ 11 તાલુકા પંચાયતમાં સત્તા

અમરેલી– અમરેલી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લામાંથી તેમને વિશેષ ભેટ મળી રહી છે. અમરેલી જિલ્લામાં તમામ તાલુકા પંચાયતોમાં પગદંડો જમાવવાની ભેટ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને આપી છે.ધાનાણીએ જણાવ્યું કે  અમરેલીમાં તમામ 11 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને લાવી ભાજપ મુક્ત જિલ્લો બનાવ્યો છે.કોંગ્રેસના નીરજભાઈ અકબરી પ્રમુખ તરીકે અને રમેશભાઈ કોટડીયા ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. કોંગ્રેસના બળવાખોર અરવિંદભાઈ કાછડિયાની હાર થઇ હતી. જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને ધાનાણી તથા અંબરિષ ડેર સહિતના નેતાઓએ ભાજપ શાસિત રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે કરાવી રાહુલ ગાંધીને જન્મદિનની ભેટ આપી છે. અમરેલી કોંગ્રેસમાં આજે આ કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આવતીકાલે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી થવાની છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી શક્યતા છે. આવતી કાલે ચૂંટણી બાદ કોંગ્રેસ દ્વારા બળવાખોર સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય પગલાં ભરીને તેમને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસની સત્તા હતી. જેમાં અમરેલી, બગસરા અને સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકોએ પક્ષપલટો કરતા કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. આજે અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના બળવાખોર સભ્યે ઉમેદવારી કરતા અહીં પણ કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી શક્યતા જોવામાં આવી રહી હતી, પરંતુ આજે યોજવામાં આવેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા.