ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સરકારને અનેક મુદ્દે ઘેરવાના પ્રયાસ

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે રૂપાણી સરકારની વિવિધ સ્તરે નિષ્ફળતાના સંદર્ભે વિધાનસભાને ઘેરાવ કરવાનો વિરોધ પક્ષ કોંગ્રેસે એલાન કર્યું છે. ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ વિધાનસભા બાજુ કૂચ કરી હતી.

ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ તેમને રોકવાના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે અમિત ચાવડાની અટકાયત કરી લીધી છે.

અટકાયતથી ક્રોધે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડીને નિશાન બનાવીને પથ્થરમારો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી છે. જેને લઈને આક્રોશમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ‘ગાંધી લડે ગોરો સે, હમે લડેંગે ચોરો સે’ ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કૂચ પહેલા નેતાઓ ત્યાં હાજર કોંગ્રેસ અને NSUIના કાર્યકરોને સંબોધન કર્યું. પરેશ ધાનાણીએ કહ્યું કે સામાન્ય માણસના અવાજને રૂંધવાનું પાપ થાય છે. વિરોધ પક્ષ પર સરકારના અત્યાચાર થાય છે. તેમણે કહ્યું કે સૂતેલી સરકારને જગાડવા માટે આ કૂચ કરીશું.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કૉંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરવાનું એલાન આપ્યું છે. જોકે, સરકાર દ્વારા કૉંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન આપવામાં હોવાથી પાટનગરમાં 1500 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસે જ્યાં રેલી યોજવાની પરવાનગી માગેલી તે ઘ-5 ખાતે મંજૂરી અપાઈ નથી, છેવટે દર વખતે સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી અપાઈ છે ત્યાં એને દેખાવો યોજવાનું કહેવાયું છે. કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં કોંગ્રેસની વિધાનસભા કૂચની જાહેરાતથી પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 1500 પોલીસ જવાનોનો કાફલો ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસની સાથે SRPની 5 કંપનીઓ પણ બંદોબસ્તમાં ઉતારાઈ છે. કોંગ્રેસ મહિલા સુરક્ષા, પરીક્ષા કૌભાંડ અંગે સરકારને ઘેરશે.

હાલ મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસને સત્યાગ્રહ છાવણીમાં ધરણાની પોલીસ મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નથી. વિધાનસભાના સત્રની શરૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસ સત્રમાં પક્ષના મુખ્ય નેતાઓ સહિત ધારાસભ્યોની ભૂમિકા નક્કી કરવા માટે બેઠક બોલાવી હતી. કોંગ્રેસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, શિક્ષણ, કમોસમી વરસાદ, મોંઘવારી, બેરોજગારી, મહિલા ઉપરના અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]