કોંગ્રેસના અમિત ચાવડાની ધરપકડ, કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપો

અમદાવાદઃ ગુજરાત સરકારના નિર્ણયો વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવ પહેલા જ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના નેતાઓ પર વોટર કેનન અને સામાન્ય બળ પ્રયોગ કર્યો હતો. તો કાર્યકર્તાઓએ પથ્થર મારીને વોટર કેનના કાચ તોડી દીધા હતા.

ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના વિરોધમાં યુવાઓ, મહિલાઓ અને ખેડૂતોના અધિકારોની માંગને લઈને કોંગ્રેસે વિધાનસભા કૂચની જાહેરાત કરી હતી. પોલીસે કોંગ્રેસને સત્યાગ્રહ છાવણીમાં જનસભાની મંજૂરી આપી હતી. સભા બાદ કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ વિધાનસભા તરફ આગળ વધ્યા, પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ રોકી લીધા. પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પર વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો અને બળ પ્રયોગ પણ કર્યો હતો.

પોલીસે અટકાયત કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રોડ પર જ બેસી ગયા હતા અને પોલીસ પર મુખ્યમંત્રી વિજય રુપાણીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા કોંગ્રેસની રેલીમાં ભારત માતા કી જય, કલ લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ મુખ્યમંત્રી રુપાણી પર ખેડૂત, મજૂર અને યુવા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. ચાવડાએ કહ્યું કે, સરકારી નોકરીઓની ભરતીમાં દર વખતે અનિયમિતતા અને ગોટાળાઓ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક-યુવતીઓ બિનસચિવાલયની ભરતી પરિક્ષામાં ગેરરીતી મામલે ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની માંગને ગંભિરતાથી નથી લઈ રહી.