ગાંધીનગરઃ કોમ્પ્યુટિંગ ક્ષેત્રની મહિલાઓ માટેની પેન-ઇન્ડિયા વર્ચ્યુઅલ વર્કશોપ ACM ઇન્ડિયા ગ્રેડ કોહાર્ટની ત્રીજી આવૃત્તિ 24થી 26 જુલાઈ, 2020 દરમ્યાન યોજવામાં આવી હતી. જેને IIT ગાંધીનગરે હોસ્ટ કરી હતી. ત્રણ દિવસની ઓનલાઇન ઇવેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, કારણ કે વર્કશોપ માટે કોમ્પ્યુટિંગ ક્ષેત્રની 200થી વધુ સ્નાતક વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને 16 સત્રોમાંથી પ્રત્યેકમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
આ વર્કશોપનો પ્રારંભ કાર્યક્રમના સહ-આયોજકો –પ્રો. નીલધારા મિશ્રા, IIT-ગાંધીનગરમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ફેકલ્ટી અને ACM-Wના સભ્ય, ડો. હિના તિમાની, ACM-W, ઇન્ડિયાના અધ્યક્ષ અને ડેટા-એનાલિટિક્સ સ્ટાર્ટઅપના સહસ્થાપક અને ડિરેક્ટર અનs IIT-બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ફેકલ્ટી અને ACMના વાઇસ ચેરપર્સન પ્રો. નૂતન લિમાય દ્વારા ઓપનિંગ રિમાર્ક્સથી થયો હતો.
મહિલા સંશોધકો સાથે રસપ્રદ ઇન્ટરએક્ટિવ સત્રો
આ વર્કશોપમાં વિશ્વના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રના અનુભવી મહિલા સંશોધકો સાથે રસપ્રદ ઇન્ટરએક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ કોમ્પ્યુટિંગ ક્ષેત્રની ભારતીય મહિલા સ્નાતક વિદ્યાર્થિનીઓને તેમના સ્નાતક વર્ષો અને એનાથી આગળની વિવિધ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો –વગેરે અંગે મદદ કરવાનો હતો.
આ વર્કશોપનું પ્રથમ મુખ્ય પ્રવચન IIT-બોમ્બેના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનાં પ્રોફેસર ડો. સુનીતા સરવાગીએ 24 જુલાએ મશીન લર્નિગ મોડેલ્સઃ ફ્રોમ બર્થ ટુ સર્વિંગ ધ રિયલ-વર્લ્ડ વિષય પર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મશીન લર્નિગ કોમ્પ્યુટર સાયન્સ જ નહીં, પરંતુ સંભવતઃ સાયન્સ સંબંધિત બધા ડોમેન્સના સૌથી લોકપ્રિય ક્ષેત્ર તરીકે વિકસ્યું છે. તેમણે કેટલાક પડકારો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મશીન લર્નિગમાં ઘણું કામ કરવામાં આવ્યું હોવા છતાં હજી ઘણું વધુ કરવાની જરૂર છે અને તેથી કોમ્પ્યુટિંગમાં વધુ સંશોધન માટે આકર્ષક દિશા બની રહી છે. બીજું મુખ્ય વક્તવ્ય 25 જુલાઈએ IMSC-ચેન્નઈના કોમપ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર ડો. મીના મહાજન દ્નારા આપવામાં આવ્યું હતું. તેમણે કોમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્સિટી સાથેનો મારો મોહ પર વાત કરી હતી.
વિવિધ મહિલા નિષ્ણાતો દ્વારા કુલ 16 પ્રેઝેન્ટેશન
ત્રણ દિવસ દરમ્યાન વિવિધ મહિલા નિષ્ણાતો દ્વારા કુલ 16 પ્રેન્ઝેન્ટેશન અને ઇન્ટરેક્ટિવ સેશન્સ કરવામાં આવ્યા હતાં. જેમાં ભાગ લેનારાઓને વાસ્તિવિક પરિષદની જેમ ઉદ્યોગ અને શિક્ષણ જગતના વરિષ્ઠ સંશોધનકારો સાથે પરસ્પર નેટવર્કિંગ-ચર્ચામાં જોડાવાની તકો મળી હતી. આ ઇવેન્ટમાં મોટા ભાગની ચર્ચા વૈશ્વિક રોગચાળાના સંદર્ભમાં સુસંગત કરવામાં આવી હતી.
ફિલ્મનું સ્ક્રિનિંગ અને ત્રણ હરીફાઈ
આ ઇવેન્ટમાં એક ફિલ્મનું સ્ક્રિનિંગ અને ત્રણ હરીફાઈ પણ રાખવામાં આવી હતી (જેમાં સોશિયલ મિડિયા હરીફાઈ, લોગોની હરીફાઈ અને કોમ્પ્યુટર આર્ટ હરીફાઈનો સમાવેશ થાય છે). આનાં પરિણામો ઓગસ્ટના મધ્યમાં ઇવેન્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર, ACM-W ઇન્ડિયા કાઉન્સિલ (એસોસિયેશન ફોર કોમ્પ્યુટિંગ મશીનરી ઇન્ડિયા કાઉન્સિલ ઓન વુમન ઇન કોમ્પ્યુટિંગ) અને ACM ઇન્ડિયા કાઉન્સિલ દ્વારા સાથે મળીને આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ગૂગલ અને TCS દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો.