અમદાવાદઃ રાજ્યમાં અને દેશભરમાં કોવિડ-19ના રસીકરણનો પ્રારંભ પહેલી માર્ચથી શરૂ થયો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વયના ગંભીર બીમારી ધરાવતા લોકોનું બીજા તબક્કામાં રસીકરણ કરવામાં આવશે.
ખાનગી અને સરકારી- એમ 100થી વધુ હોસ્પિટલોમાં કોવિડ-19ની રસી આપવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની રસીનો ખર્ચ રૂ. 250 થશે. આ ખર્ચમાં રૂ. 100નો વહીવટી ખર્ચ અને રૂ. 150ની રસીનો ચાર્જ સામેલ છે. રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં રસીકરણ નિઃશુલ્ક કરવામાં આવશે.
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે એક યાદી જાહેર કરી છે, જે હેઠળ રસીકરણ કાર્યક્રમ હેઠળ આ રસી આપવામાં આવશે. રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યાનુસાર રસીકરણ અભિયાન 500 કેન્દ્રોએ કરવામાં આવશે, જેનો વ્યાપ આગામી દિવસોમાં વધારવામાં આવશે. જે લોકો ગંભીર બીમારીની શ્રેણીમાં આવે છે, તેમના મેડિકલ સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે.
ગુજરાત બધાં રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં અગ્રેસર હતું, પણ સરકાર દ્વારા એ સંખ્યાને નિયંત્રિત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારે રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં રાજ્યનાં ચાર શહેરોમાં રાત્રે 12 કલાકથી સવારે છ કલાક સુધીના રાત્રિ કરફ્યુની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો હતો.
આજથી દેશભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. ત્યાર બાદ હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં રસીનો ડોઝ લીધો છે.