ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

ગાંધીનગર: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ઈસરો), ફીઝીકલ રિસર્ચ લેબોરેટરી, નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ  રિસર્ચ (નાઈપર) અને ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડે (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ) ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧નાં રોજ ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન  દિવસની ઉજવણી 1987થી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નોબેલ વિજેતા સર સી.વી. રમણ દ્વારા રામન અસરની શોધની યાદમાં કરવામાં આવે છે. આ વર્ષે વિજ્ઞાન દિવસની ઉજવણીનો વિષય એ “ફ્યુચર ઓફ સાયન્સ, ટેકનોલોજી ઇનોવેશન (એસટીઆઈ), અને શિક્ષણ, કુશળતા અને કામગીરી પર તેમની અસર” છે.

રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો અને ઇન્નોવેએશન જેવા મુદ્દાઓની ચર્ચા આ મહત્વના દિવસે કરવામાં આવે છે. આ ઉપરાંત મહાન વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકોમાં લોકપ્રિય બનાવવાની એક તક પુરી પાડે છે.

આ પ્રસંગે ઇસરોના સ્પેસ એપ્લીકેશન્સ સેન્ટરના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઇએ ભારતીય અવકાશ વિજ્ઞાન અને તકનીકીના વિવિધ સફળ મિશનો પર ચર્ચા કરવામાં આવી. તેમણે જુગાડ, ગ્રાસરૂટ્સ ઇનોવેશન અને વિશિષ્ટ / ઉચ્ચ તકનીક ઇનોવેશન જેવા ત્રણ કેટેગરીમાં આવિષ્કારના પ્રકારોનું વિસ્તૃત વર્ણન કર્યું અને કહ્યું કે ઈસરો સ્પેસ સાયન્સ મિશન દ્વારા સ્પેસ ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ, ઓછા ખર્ચાળ અને નિર્ધારિત સમય ફ્રેમમાં બનાવવામાં છે. તેમણે નાસા-ઇસરોના સંયુક્ત ઉપક્રમ નિસાર વિષે પણ વાત કરી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મિશન ગગનયાન હેઠળ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં જશે.

ડો.અનિલ ભારદ્વાજ, ડિરેક્ટર, પીઆરએલ, અમદાવાદ એ મૂળભૂત વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનના મહત્વ પર ચર્ચા કરી. તેમણે પીઆરએલની એક વર્ચ્યુઅલ ટૂર દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ ઉપકરણો પર કામ કરીને વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે એ અંગે સમજ આપવામાં આવી. આ પ્રકારની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરવા માટે વર્ચુઅલ ટૂર યુવા વર્ગને આકર્ષિત કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇ દ્વારા પીઆરએલની સ્થાપના કરી હતી જેણે ચંદ્રયાન 1 જેવા ઘણા અવકાશ વિજ્ઞાનના મિશનમાં ફાળો આપ્યો જે દેશને સ્પેસ સાયન્સ વિષે આત્મનિર્ભર કરવા મદદરૂપ થયું છે. તેમણે જણાવ્યું હતું કે અવકાશ વિજ્ઞાનમાં દરેક વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, યાંત્રિક, એરોસ્પેસ, ઇલેક્ટ્રિકલ અને અન્ય લોકોના નિષ્ણાંતોની આવશ્યકતા છે. એટલું જ નહીં સ્પેસ મિશનને મેડિકલ નિષ્ણાતો અને ભૂ-નિષ્ણાતો અને વિશ્લેષકોની પણ જરૂર છે. આમ તેમણે યુવા ધનને  સંદેશ આપ્યો કે જે પણ ક્ષેત્રમાં કામ રહ્યા છે તેમાં શ્રેષ્ઠ કાર્ય કરવું અને સંપૂર્ણ સમર્પણ, પ્રતિબદ્ધતા અને આનંદથી કામ કરવું જોઈએ. 

નાઇપર અમદાવાદના ડાયરેક્ટર ડો. કિરણ કાલિયા દ્વારા લાઈફ સાયન્સ ક્ષેત્રે રહેલી વિવિધ તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે આવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે સતત પોતાને વિકસતી ટેક્નોલોજી સાથે અપડેટ થવું જરૂરી છે. સૌમ્યા સ્વામિનાથન અને ડો. કિરણ મજુમદાર શો જેવી મહાન મહિલાઓનું વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે યોગદાનનું ઉદાહરણ આપીને વધુને વધુ મહિલાઓને જોડાવા પ્રેરણા આપી હતી. તેમણે નાઇપર દ્વારા બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર વિશે માહિતી આપી હતી. નાઇપર સંસ્થાનની વર્ચુઅલ ટૂર દ્વારા યુવા વૈજ્ઞાનિકોને ફાર્મા વિશ્વમાં કારકિર્દીનું સ્વપ્ન જોવાની પ્રેરણા આપી હતી.

ડો.વિપિન કુમાર, નિયામક, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ), ગાંધીનગર દ્વારા બાળકોને સમસ્યાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમાધાન શોધવા ઇન્નોવેશનનો સહારો લેવા જણાવાયું હતું. તેણે ઉદાહરણ દ્વારા જણવ્યું કે એક બાળક દ્વારા ઘરડા લોકોને ચાલવા ઇનોવેટિવ આઈડિયા વિચારી, એનએફ (NIF) નેટવર્કની મદદથી વોકર બનાવવા સુંદર પ્રયાસો હાથ ધરાયા હતા. તેમણે એન.એફ.આઇ.ના કાર્યક્રમો જેવા કે ઇન્સ્પાયર  અને માનક હેઠળ ઇન્નોવેટીવ આઈડિયા રજુ કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ફેબ્રુઆરી 2021 મહિના દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા. તેમણે કહ્યું કે માનનીય વડા પ્રધાનની આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિ એસટીઆઈ લક્ષ્યો અને તેના અમલીકરણ સાથે ખૂબ જ સંબંધિત છે. તેમણે પીએસએલવી-સી 51 / એમેઝોનીયા –1 મિશનની સફળતાના ઇસરોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ યુવાધનને વિજ્ઞાન અને ટેક્નોલોજીને નવી ઉંચાઈ હાસિલ કરવા પ્રેરણારૂપ સાબિત થશે.

વિજ્ઞાન દિવસની ઉજવણીમાં દેશભરમાંથી વિધાર્થીઓ, શિક્ષકો , સાયન્સ કમ્યુનીકેટર અને વિજ્ઞાન રસિકો ગુગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયા હતા. યુટ્યુબ પર જોડાઈને 1000 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.