ગુજરાતમાં વધશે ઠંડીનું જોર!, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતીમાં કડકડતી ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પણ ઠંડી રેકોર્ડ તોડી રહી છે. ત્યારે શુક્રવારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે નલિયા-રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં શુક્રવારે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 14 ડિગ્રીની આસપાસ લધુતમ તાપમાનનો પારો રહેશે.

ઠંડીને લઈ આગાહી કરતા હવામાન નિષ્ણાંતોએ 27 ડિસેમ્બર બાદ અમદાવામાં તાપમાનનો પારે 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે શનિવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી હતું. શુક્રવારે રાત્રિના અન્યત્ર જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, ભુજ, દાહોદ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું. સૂત્રો પાસેથી મળેલા આંકડા પ્રમાણે નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.5, ભુજમાં 10.2, દાહોદમાં 11.2, અમરેલીમાં 12.5, ડીસામાં 12.9, ગાંધીનગરમા 13.3, અમદાવાદ અને ડાંગમાં 13.4, કંડલામાં 13.5, જામનગર અને પોરબંદરમાં 14, વડોદરામાં 14.6, ભાવનગરમાં 15.4 અને સુરતમાં 16.8 ડિગ્રી લઘુતાપમાન નોંધાયું હતું.