પોરબંદરઃ ATS ગુજરાત સાથે સંયુક્ત રીતે ગુપ્તચર આધારિત હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળ (ICG), જખૌ, ગુજરાત દ્વારા ગઈ 14-15 એપ્રિલની રાત દરમિયાન એક પાકિસ્તાની બોટ ‘NUH’માંથી 30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધે બોટમાં સવાર થયેલા 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવા માટે તટરક્ષક દળે ATSના અધિકારીઓ સાથેની એક ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ મોકલી હતી.
14-15 એપ્રિલની રાત્રી દરમિયાન, શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમાની અંદર આવી હતી અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવી હતી. બોટ પર જઇને તપાસ કરવામાં આવતા અંદાજે કેફી પદાર્થ હેરોઈનના 1 કિલોગ્રામ વજનના એક એવા 30 પેકેટ મળી આવ્યા હતા જે જપ્ત કરવામાં આવ્યા હતા. નાર્કોટિક્સના આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈન જથ્થાનું મૂલ્ય અંદાજે રૂ. 300 કરોડ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, દાણચોરીના આ જથ્થાને ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાનો બદમાશોનો પ્લાન હતો. આઠેય પાકિસ્તાની બદમાશોને જખૌ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં એમની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
(તસવીર સૌજન્યઃ પીઆરઓ ડીફેન્સ ગુજરાત)