ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી.
મુખ્યપ્રધાન આજે ગુરૂવારે બપોરે ફરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વડોદરામાં કાર્યરત વરિષ્ઠ આઇ.એ.એસ. અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર સાથે પણ ટેલિફોનીક વાતચીત કરીને માહિતી મેળવી હતી.
મુખ્યપ્રધાને આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પ્રચાર માધ્યમો સમક્ષ વિગતો આપતાં જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફૂટ છે.
આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરમાં ભરાવાથી હાલની આ પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારના અંદાજે પ૦૦૦ લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે અને ૭પ હજાર જેટલા ફૂડપેકેટસ પણ તંત્રએ તૈયાર કરાવ્યાં છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાને જણાવ્યું કે, વડોદરામાં ૩૦૪ વીજ ફિડરમાંથી ૪૭ વીજ ફિડરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટથી કે અન્ય કોઇ રીતે નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. આના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે.
વરસાદી પાણી ઓસરતા જ ત્વરાએ આ વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. આ ફિડરો બંધ કરવાને કારણે વડોદરાના ઈંદ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર (ગોત્રી) અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે. વડોદરાના સૌ નગરજનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યપ્રધાને અનુરોધ કર્યો છે.
મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે વડાપ્રધાન કાર્યાલય પણ આ સ્થિતી અંગે સતત સંપર્કમાં છે અને તેની મદદથી વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે એન.ડી.આર.એફ.ની પાંચ વધારે ટીમ પૂનાથી એર લિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં એન.ડી.આર.એફ.ની-૪ ટીમ વડોદરામાં તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે. આ ઉપરાંત એસ.ડી.આર.એફ.ની-૪, આર્મીની-૨ તેમજ એસ.આર.પી.ની-૨ કંપની તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં લાગી છે. એરફોર્સ અને ડિફેન્સ ટીમ દ્વારા પણ પૂરતી મદદ સ્થાનિક તંત્રને મળી રહી છે. ગુરૂવારે બપોર બાદ વડોદરા હવાઇ મથકની પટ્ટી કાર્યરત થાય એ માટે કામગીરી હાથ ધરાઇ છે.
તેમણે જણાવ્યું કે, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરી અને ઊર્જાના અગ્ર સચિવ પંકજ જોશી પણ વડોદરા પહોચ્યા છે અને સંબંધિત કામગીરીમાં માર્ગદર્શન કરે છે. વડોદરા શહેરની સ્થિતી અને જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે માટેના તંત્રના પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, વરસાદ બંધ થતાં પાણી ઓસરે તે સાથે જ્યાં પાણી ભરાયા છે ત્યાં ડિવોટરીંગ પમ્પ મોટી સંખ્યામાં કામે લગાડીને પાણી ઉલેચવાની કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચનાઓ આપી છે. આ હેતુસર ડિવોટરીંગ પમ્પની પૂરતી વ્યવસ્થાઓ પણ ગોઠવાઇ રહી છે.
સીએમ રુપાણીએ કહ્યું કે વડોદરા મહાનગરમાં વરસાદી પાણી સાથે મગર ઘૂસી આવવાની સ્થિતી પર વન વિભાગ અને NGO પૂરતી નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩ મગર પકડી લેવાયા છે અને સંપૂર્ણ સર્તકતાથી વન વિભાગ કાર્યરત છે. વડોદરાના છાણી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાને કારણે બુધવારે ૪ વ્યકિતઓના મૃત્યુ થયા છે તે સિવાય જાન-માલ કે પશુ-ઢોર ઢાંખરને કોઇ હાનિ પહોચી નથી.