સત્રમાં કુલ 104 કલાક 53 મિનિટ કામ થયું અને 5263 પ્રશ્નોના જવાબ રજૂ થયાં એમાં ફક્ત 125ની…

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રમાં ગત સપ્તાહે જ પૂર્ણ થયું છે. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રનો અંતિમ દિવસ એટલે કે, 26 જુલાઈ 2019ના રોજ 17 કલાક 40 મિનિટ જેટલો લાંબો સમય ચાલુ રહી હતી જે કાયમી રેકોર્ડ સ્થાપ્યો છે.

સત્ર દરમિયાન થયેલા મહત્વના કામકાજની માહિતી

અંદાજપત્ર સત્ર દરમિયાન વિધાનસભાની કુલ 21 બેઠકો મળી હતી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ 104 કલાક 53 મિનિટ કામ કર્યું હતું. સત્ર દરમિયાન કુલ 156 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. કુલ 6 સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યાં. સત્ર દરમિયાન 2 જૂલાઈના રોજ નાણાંકીય વર્ષ 2019-2020 માટેનું રૂ.11,49,40,51,89,000નું ફેરફાર કરેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું.

સત્ર દરમિયાન મૌખિક જવાબો માટેના કુલ 5263 પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયાં હતાં. તે પૈકી કુલ-125 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. સત્ર દરમિયાન કુલ 18 સરકારી વિધેયકો ગૃહે પસાર કર્યાં હતાં અને 6 બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સત્ર દરમિયાન એક સરકારી સંકલ્પ પણ પસાર કરવામાં આવ્યો હતો. 2 બિન સરકારી સંકલ્પો સભાગૃહમાં ચર્ચાયા હતા તે પૈકી 1 સંકલ્પનો સભાગૃહ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો, અને 1 સંકલ્પ સભ્યએ સભાગૃહની મંજૂરીથી પાછો ખેંચી લીધો હતો. સત્રના છેલ્લા દિવસે રાજ્યના આદિવાસીઓના વિકાસ માટે ફાળવેલ અંદાજપત્રની રકમ આદિવાસીઓ માટે વાપરવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સત્ર દરમિયાન જાહેર અગત્યની બાબત પર સંબંધિત પ્રધાનો દ્વારા ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-44 હેઠળ એક નિવેદન સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. તેમજ નિમય-116 હેઠળ પ્રધાનોનું ધ્યાન દોરતી સૂચના પર સભાગૃહમાં પ્રધાનો દ્વારા જૂદી જૂદી બાબતો ઉપર ચાર નિવેદનો કરવામાં આવ્યાં હતાં. સત્ર દરમિયાન કુલ-10 સમિતિની બેઠકો મળી હતી અને જૂદી જૂદી સમિતિઓના કુલ-18 અહેવાલો સભાગૃહના મેજ પર રજૂ કરવામાં આવ્યાં હતાં.

બંધારણ તેમજ પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ બોર્ડ/કોર્પોરેશનોના કુલ-49 અહેવાલો તેમજ 6 અનુમતિ મળેલા વિધેયકો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યાં હતાં. વર્ષ 2017-18ના કેગના ઓડિટ અહેવાલો, વર્ષ 2017-18ના વર્ષના નાણાંકીય હિસાબો અને વિનિયોગ હિસાબો અને સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના નગરપાલિકા વર્ષ 2014-15 અને વર્ષ 2015-16, જિલ્લા/તાલુકા પંચાયતના વર્ષ 2014-15 અને ગ્રામ પંચાયતના વર્ષ 2014-15 અને વર્ષ 2015-16ના અહેવાલો સભાગૃહના ટેબલ પર રજૂ કરવામાં આવ્યાં. આ ઉપરાંત કુલ-70 સરકારી અધિસૂચનાઓ અને એક બાંહેધરી પત્રક ગૃહના મેજ પર મુકવામાં આવ્યું. સત્ર દરમિયાના રાજ્યમાંથી 50673 જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી.