અમદાવાદ- મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. બજેટમાં એવી ઘણી જાહેરાત કરવામાં આવી છે જેની સીધી અસર સામાન્યથી ખાસ લોકોને થવાની છે.
કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મોદી સરકારના આ બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં જે રીતે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી ભારતના વિકાસની ગતિ તેજ થશે. આ ઉપરાંત મુખ્યપ્રધાને ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક માટે મતદાન યોજાયું તે અંગે કહ્યું કે, આ ચૂંટણીમાં અમારા ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. જેના કારણે ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતાં. ભાજપને પોતાના તમામ ઉમેદવારો પર વિશ્વાસ છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જીતુ વાઘાણીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે, આજે નવો ઈતિહાસ બન્યો છે, તમામ લોકોને ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તે બાદ વાઘાણીએ અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટથી દેશમાં સામાન્ય મધ્યવર્ગના પરિવારો પર મોટી ઘાત આવી છે. જે રીતે પેટ્રોલ ડીઝલ પરના શેસમાં વધારો કરવામાં આવ્યો છે તેનાથી મોંઘવારીનો માર પડશે. આજે જ્યારે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને સરકાર દિશાહીન છે આ સ્થિતિમાં શિક્ષણ આરોગ્ય અને સેવા જે સર્વિસ ઓરિયેન્ટેડ ક્ષેત્ર છે તેના માટે કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં નથી આવી. દેશના કરોડો નાગરિકોની અપેક્ષા સંતોષાય તે રીતેની બજેટમાં કોઈ નક્કર વાતો નથી. બજેટમાં રોજગારને લઈને કોઈ ચોક્કસ રોડમેપ રજૂ કરવામાં નથી આવ્યો. એક રીતે જોઇએ તો દેશના કરોડો નાગરિકોના જીવનમાં ઉથલ પાથલ કરી દે તેવું આ છેતરપિંડીવાળું બજેટ છે.
કેન્દ્રીય બજેટ અંગે જાણીતા ટેક્સ કન્સલટન્ટ મૂકેશ પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, નિર્મલાજીએ જ્યારે 71 વર્ષની પરંપરા તોડીને લાલ રંગની ખાતાવહી સાથે પ્રવેશ કર્યો ત્યારે કંઈક જૂદું આપશે એવી શ્રદ્ધા સૌના મનમાં જાગી. બજેટમાં સરકારે આગામી 5 વર્ષનો એક રોડમેપ રજૂ કર્યો છે. ઈન્ફ્રાસ્ટ્રકચર,હાઉસિંગ,રૂરલ ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ આ તમામની સાથે જ્યારે વિકાસ થાય ત્યારે એ વિકાસ અને રોકાણની સાથે જે ઈકોનોમી હરણફાળ ભરશે તે આ બજેટમાં જોઈ શકાય છે. એક મહિલા જેમ એની ઘરની સજાવટમાં ઝીણાંમાં ઝીણી બાબતનું ધ્યાન રાખે એ પ્રકારે નિર્મલા સીતારમણે એક લોજિકલ બજેટ રજૂ કર્યું છે.
કેન્દ્રીય બજેટ અંગે જાણીતા સીએ અને આર્થિક નિષ્ણાત ધીરેશ શાહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સરકારનું બજેટ 5 વર્ષનો રોડમેપ નક્કી કરે છે. આપણાં દેશની 99 ટકાથી વધુ કંપનીએ 25 ટકાથી વધુ ટેક્સ ભરવો નહીં પડે. આધારકાર્ડથી રીટર્ન ભરી શકાશે એટલે કે સરકારે નિયમોનું સિમ્પલીફિકેશન કર્યું હોય તેમ કહી શકાય. સ્ક્રૂટિની એસેસમેન્ટને બદલે ફેસલેશ એસેસમેન્ટને કારણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ઓછો થશે. 2 કરોડથી વધુ આવક ધરાવનાર પર સરચાર્જ નાંખ્યો છે. સોનાની ડ્યૂટીમાં પણ વધારો કર્યો છે. લેબર લૉને કારણે નોકરીઓમાં વધારો થશે. ત્રણ કરોડ દુકારનદારોને પણ વીમાનો લાભ મળશે. નવી એજ્યુકેશન પોલિસીને આવકારવા જેવી બાબત છે. એકંદરે સિમ્પલીફિકેશન તરફ વધારે ધ્યાન આપ્યું છે.