સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ નારાજ

સુરત – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)નાં ચેરમેન પ્રમોદ અગ્રવાલે આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ અંગે પોતાનાં પ્રત્યાઘાત જણાવ્યા છે.

અગ્રવાલે કહ્યું છે કે સોના અને ચાંદીની ધાતુ પર આયાત જકાતમાં વધારો કરવામાં આવ્યો છે એટલે અમારો ખૂબ જ નારાજ થયો છે. નિકાસ ઘટવાથી અને નોકરીઓ ઘટી જવાથી જેમ અને જ્વેલરી ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને અમને આશા હતી કે અમારા ક્ષેત્રને પ્રોત્સાહન મળે એવી કેટલીક સકારાત્મક જાહેરાતો બજેટમાં કરવામાં આવશે.

GJEPCનાં ચેરમેન પ્રમોદ અગ્રવાલ

સોનું, હિરા અને રંગવાળા રત્નો જેવા અમારા કાચા મટિરીયલ્સ માટેની આયાત જકાત ઘટાડવામાં આવે અને બ્લોક કરી દેવાયેલી મૂડી રિલીઝ કરવામાં આવે એવી અમે રજૂઆત પણ કરી હતી. એને બદલે સોના અને ચાંદી પર આયાત જકાત વધારી દેવામાં આવી છે અને પ્રોસેસ્ડ ડાયમંડ તથા જેમસ્ટોન્સ પરની આયાત જકાત ઘટાડવામાં ન આવતાં પડોશી દેશોમાં આનો બિઝનેસ વધશે, કારણ કે વિદેશી પર્યટકો આપણે ત્યાંથી જ્વેલરી ખરીદવાનું બંધ કરશે વળી, મોટા હિરાનાં પ્રોસેસિંગનું કામકાજ ચીન, વિયેટનામ જેવા આપણા હરીફ દેશોમાં જતું રહેશે.

અગ્રવાલે એમ પણ કહ્યું છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી મામલે અમારા સેક્ટરને રાહત મળે અને ટ્રાન્ઝેક્શન લેવલ પર વ્યાપાર કરવામાં સરળતા મળે એ માટે અમે ભારત સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ જ રાખીશું.

અગ્રવાલે કહ્યું કે આમ છતાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના સરકારે પ્રયાસો કર્યા છે એની અમે પ્રશંસા કરીએ છીએ. કારણ કે આનાથી સમગ્ર અર્થતંત્ર માટે સકારાત્મક પરિણામ આવશે. ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં અમારો ઉદ્યોગ પણ એનો યોગદાન આપશે.