પહેલાં ક્રોસ વોટિંગ કર્યું અને પછી અલ્પેશ ઠાકોરનું રાજીનામું, કોંગ્રેસે કહ્યું કે…

ગાંધીનગર– રાજ્યસભા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું છે ત્યારે છેલ્લાં કેટલાક સમયથી જે વાતો હવામાં હતી તે છેવટે જમીની વાસ્તવિકતા બની છે. કોંગ્રેસના ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરનાર હોવાની ખબરો સાચી પડી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યાં બાદ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. તેમની સાથે ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે.

આજે યોજાયેલાં રાજ્યસભા ચૂંટણીના મતદાન સમયે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને રિસીવ કરવા વિધાનસભા દંડક પંકજ દેસાઈ આવ્યાં હતાં ત્યારે જ ઘણુંખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. અલ્પેશે પોતાના મતદાનને લઇને નિવેદન આપ્યું હતું કે તેમણે રાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને પોતાનો મત આપ્યો છે.

આ બાદ તેઓ ધવસસિંહ ઝાલા સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા ગયાં હતાં જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું.તેમનું રાજીનામું સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યું હતું. રાજીનામું આપનારાં આ બંને આજે જ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચા છે.પોતાના રાજીનામાં બાદ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતાં કરતાં વધુમાં જણાવ્યું હતું કે..કોંગ્રેસમાં માનસિક ત્રાસ હતો. કોંગ્રેસ હવે ડૂબતી નાવ છે.જે પક્ષ જનાધાર કોઈ ચૂક્યો હોય અને જે પક્ષ અમારો દ્વોહ કર્યો છે તેને ધ્યાનમાં રાખીને મેં આમ કર્યું છે.

અલ્પેશ ઠાકોરની સાથે ભરતજી ઠાકોરે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હતી જોકે ભરતજીએ સ્પષ્ટતા કરી હતી તે કોંગ્રેસના બે જ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે.

આ બંનેના રાજીનામાંને લઇને કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપી હતી કે તેઓએ ક્રોસવોટિંગ કર્યું છે અને

ફાઈલ ચિત્ર

તેનો અમે વાંધો ઉઠાવ્યો છે. અમે ધારાસભ્યોને પક્ષને વોટ આપવા માટે વ્હીપ આપેલો છે ત્યારે તેઓ આમ કરી શકે નહીં, અને અમે તેઓનો વોટ રદ કરાવવા પગલાં લઇશું.

રાજ્યસભા ચૂંટણીમાં બપોર સુધીમાં કોંગ્રેસના કુલ 49 ધારાસભ્ય તેમ જ ભાજપના 100 ધારાસભ્ય મતદાન કર્યું છે. આ ઉપરાંત BTP ના 2 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. NCPના 1 ધારાસભ્યે પણ મતદાન કર્યું છે. જો કે, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા હજુ મતદાન કરવામાં આવ્યું નથી.