સૂરત- સૂરતની શાન સમો રાજયનો પ્રથમ ટુ વે કેબલ બ્રિજને આજે મુખ્યપ્રધાન વિજય રુપાણીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સીએમ રૂપાણીએ રીબીન કાપી બ્રિજનું લોકાર્પણ કર્યુ. અઠવા લાઇન્સ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
બ્રિજ પર એક સાથે 150 ટ્રક ઉભા રહી શકે છે
આ બ્રિજની લંબાઈ 918 મીટર અને પહોળાઈ 24 મીટર છે. આ બ્રિજ રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ સ્ટેઇડ બ્રિજ છે. આ બ્રિજનો 150 મીટર ભાગ કોઈ જ સ્પાન વગર ફક્ત કેબલના આધારે ટકેલો છે. આ બ્રિજની અવધી 100 વર્ષ છે. આ બ્રિજ પર એક સાથે 150 ટ્રક ઉભા રહી શકે છે. એટલે કે બ્રિજ એટલું વજન સહન કરી શકે છે. ભૂકંપ સહિતની કુદરતી આફતો સામે આ બ્રિજ ટકી રહે તેવી રીતે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.સામાન્ય રીતે બ્રિજમાં બે પીલર્સ વચ્ચેનું અંતર 50 મીટર હોય છે. પરંતુ કેબલ સ્ટેઇડ બ્રિજમાં આ અંતર 150 મીટર છે. આ બ્રિજ પરના પીલરની ઊંચાઈ 110 ફૂટ છે. આ બ્રિજમાં 1632 કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ કેબલનું વજન ગણીએ તો 88 ટન થાય છે.
ઓવરલોડિંગ થેશે તો ઓટોમેટિક સાઈરન વાગશે
આ બ્રિજની એક વિશેષતા એવી પણ છે કે, તેના પર જ નિર્ધારિત કરતા વજન વધી જશે તો આપમેળે સાઇરન વાગવા લાગશે. આ માટે બ્રિજમાં ખાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. બ્રિજને તૈયાર કરવા માટે ચીન અને અમેરિકાના નિષ્ણાંત લોકોની સલાહ લેવામાં આવી છે.સ્પેશિયલ લાઇટિંગ ઇફેક્ટ આપવામાં આવી છે જેથી કરીને રાત્રે તાપીના પાણીમાં પડતા તેના પ્રતિબિંબના કારણે આ બ્રિજ વધારે આકર્ષક લાગે છે. અંદાજે દોઢથી 3 કરોડનો ખર્ચ આ લાઇટિંગ ઇફેક્ટ પાછળ થવાનો હોવાનું મનાય છે. આ બધામાં સામાન્ય નાગરિકો માટે ખુશખબર એ છે કે આ બ્રિજ પર ઊભા રહીને આસપાસનો નજારો નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.