ગાંધીમાર્ગે ગ્રામોદ્ધાર: જીટીયુ ગાંધી જયંતિ ઉજવણીમાં જ્ઞાનપીઠ વિજેતા રઘુવીર ચૌધરીનો સંદેશ

અમદાવાદઃ જીટીયુ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે તા.02-10-2018 થી તા.02-10-2020 સુધી વિવિધ કાર્યક્રમો કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જીટીયુ કર્મચારી-અધિકારીગણ ખાદીનાં વસ્ત્રો પરિધાન કરીને પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે સવારે જીટીયુથી સાબરમતી આશ્રમ સુધીની સાઇકલ રેલીનું આયોજન કરીને ગાંધી મૂલ્યો અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

ગાંધીજયંતિ નિમિત્તે યોજાયેલી આ રેલીમાં જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠના નેતૃત્વમાં  સંલગ્ન કૉલેજનાં આચાર્યશ્રીઓ તેમજ શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ અને એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ સહિત 300થી વધારે સાઇકલસવારો જોડાયા હતા. તેઓએ સાબરમતી આશ્રમ તરફ પ્રયાણ કર્યું અને ગાંધીદર્શન બાદ આ રેલી જીટીયુ ખાતે પરત ફરી હતી.

જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે આ પ્રસંગ વિશે  માહિતી આપતા કહ્યું હતું કે આજનો દિવસ ગાંધીજીની 150મી જન્મ જયંતી છે અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી પણ હોઈ બંનેને વંદન કરવાનો દિવસ છે. તેઓના સંદેશો આજે પણ એટલા જ ઉપયોગી છે. આજે અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે ત્યારે શ્રમનું મહત્વ અને કુદરતી ઉપચારની વાતો, પર્યાવરણ વગેરે સંદેશા આજે પણ ઉપયોગી છે.

જીટીયુ માત્ર ટેકનિકલ ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક મૂલ્યો પ્રત્યે પણ પ્રસંગોપાત્ત ભૂમિકા ભજવતી રહે છે. આ સામાજિક ભૂમિકા અંતર્ગત જીટીયુ દ્વારા ‘મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી’ અંગેની વિસ્તૃત રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને તેના અંતર્ગત તમામ સંલગ્ન કૉલેજોને કાર્યક્રમ યોજવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

મુખ્ય અતિથિ પદેથી સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે આજે વૈશ્વિકતાની આપણે વાતો કરીએ છીએ, પર્યાવરણને વાતો કરીએ છીએ. એ બધાના મૂળમાં પર્યાવરણની પાયાની સમજણ છે. આજે જગતમાં આયુર્વેદનો વ્યાપક વિસ્તાર  થતો જાય છે. ગાંધીજીએ કુદરતી ઉપચાર ઉપર ભાર મૂકયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગાંધી ચિંધ્યા રાહે સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહ્યા છે એ આનંદની બાબત છે. ચૌધરીએ ગાંધીયુગના અનેક ઉદાહરણોનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂની પસંદગી કેવા સંજોગોમાં થઈ તેનું વર્ણન કરીને પ્રખર ગાંધીવાદી તરીકે સાબરમતી આશ્રમમાં જયપ્રકાશ નારાયણ સાથેના પોતાના સંસ્મરણોને પણ વાગોળ્યા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]