રાજકોટ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પોતાના શહેરના વિકાસ માટે ફરી એકવાર બુલંદ અવાજે અટલ સરોવરના વિકાસ માટે કરોડો ખર્ચવાની સરકારની તૈયારી વિશે જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા વનવિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રેસકોર્ષ – ર ખાતે વૃક્ષારોપણ અને અટલ સરોવરના નવા નીરની પૂજનવિધિ કર્યા બાદ આયોજિત સમારોહ જણાવ્યું કે, રાજકોટને આધુનિક વર્લ્ડ કલાસ સિટી અને હેપીનેસ ઇન્ડેક્સ પ્રકારનું બનાવવા રાજય સરકાર અને મહાનગરપાલિકા આગળ વધી રહેલ છે. અટલ સરોવરનો રૂ. ૪૦ કરોડના ખર્ચે શહેરનું નજરાણું બને તે રીતે વિકાસ કરાશે.
ઉલ્લેખનીય છે કે, રેસકોર્સ – ર ખાતે અંદાજે ૧૪ જાતના વૃક્ષોનું વાવેતર બે હરોળ વચ્ચે ૭.૫ મીટરના અંતર અને બે વૃક્ષ વચ્ચે ૪ મીટરનું અંતર રાખી સીએમ રુપાણી અને અન્યોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમનો પણ પ્રારંભ કરાયો હતો.. આ જગ્યાની ચારે તરફ અંદાજે 1111 વૃક્ષોનું વાવેતર કરાશે અને બાદમાં અન્ય ભાગોમાં વિવિધ હરીયાળી ઉભી કરાશે.
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રેસકોર્ષ – ર માં આવેલ તળાવ અટલ સરોવર આધુનિક રાજકોટ બનાવવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ, નવું આધુનિક બસ સ્ટેશન, મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં મહાત્મા ગાંધીજીના વિચારોના પ્રસાર માટે મ્યૂઝિયમ, રાજકોટ નજીક ખીરસરામાં નવી જી.આઇ.ડી.સી. , જામનગર રોડ ઉપર કન્ટેનર ડીપો વગેરે બનાવાઈ રહ્યાં છે.સીએમે રાજકોટ શહેરને ગ્રીન સીટી બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરી હતી.
રેસકોર્ષ – ર માં હાથ ધરાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ અને અટલ સરોવરના વિકાસ સહિત રાજકોટ શહેરમાં 50 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે તેમ જણાવ્યું હતું.