ગાંધીનગરઃ WHO દ્વારા ર૦૦૭થી ત્રીજી માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરિંગ ડે ઊજવવામાં આવે છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હિયરિંગ ડે- ત્રીજી માર્ચે ‘ધ હિયરિંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરીને કોકલિયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલાં ૧૦ જેટલાં ભૂલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ સૂરિ લેખિત-સંપાદિત ‘ધ હિયરિંગ ટેલ્સ’ પુસ્તકમાં એવાં બાળકોની વાતો કરવામાં આવી છે, જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલવહેલી વાર અવાજની અનુભૂતિ કરી છે. આવાં બાળકોનાં માતા-પિતા અને પરિવારમાં આને પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરિંગ ડેના દિવસે પ્રકાશિત થયેલું આ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.
બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના ર૦૧પના વર્ષથી શરૂ કરીને છ વર્ષથી નાની વયનાં બાળકો માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરેલું છે અને રાજ્યમાં આ પ્રોગ્રામનો અમલ કરવામાં આવે છે. રાજ્યના આવા હિયરિંગ લોસ ધરાવતાં બાળકોના સામાજિક, ભાવનાત્મક, વર્તન વાણી- વિકાસથી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર બાળકદીઠ રૂ.પાંચ લાખથી વધુના અંદાજિત ખર્ચે થતી સારવાર વિનામtલ્યે આપે છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ ર૭પ૦ બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આવા ૧૬૦૦થી વધુ ઓપરેશન થયાં છે. એટલું જ નહિ, બાળક ઇમ્પ્લાન્ટ કરાવીને તેના ઘરે જાય પછી એક-બે વર્ષ સુધી તેના પુનર્વસન માટે સિવિલ હોસ્પિટલ સામે ચાલીને ફોલોઅપ લે છે. બાળકોના વાલીઓએ આવી મોંઘી સારવાર વિનામtલ્યે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.