ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રીતે થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમકે શિયાળાની સિઝનમાં માવઠું થાય તો કૃષિ પાક પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાય રહી છે.

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે. જ્યારે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લધુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે.આ ઉપરાંત ઉત્તરના પવનોને કારણે તાપમાન નીચું જશે. સાથે જ દક્ષિણ રાજસ્થાન તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની સંભાવના છે. નોંધનીય છે કે, હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી, આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.