રાજ્યમાં બીજી સપ્ટેમ્બરથી ધોરણ 6-8ના વર્ગો શરૂ થશે

ગાંધીનગર: રાજ્યમાં શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે. હાલ 9-12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે. એ જ રીતે ધોરણ 6- 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, એમ રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. જોકે કોરોના કાળમાં સરકારે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી છે.

રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે અને 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવવામાં આવશે, જેમાં સામાજિક અંતર પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આવતા ગુરુવારથી સ્કૂલે આવવાનું શરૂ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય.

આ સિવાય સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતે ચુડાસમાએ જણાવ્યું હતું કે વાલીઓએ આ અંગે હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેનો અભ્યાસ કર્યા બાદ સરકાર આ અંગે આગળની કાર્યવાહી કરશે.

રાજયની 20,000થી વધુ શાળાઓમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઇન ચાલી રહ્યું છે. ત્યારે પ્રાથમિક શાળાના વર્ગો પણ હવેથી રાબેતા મુજબ શરૂ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ 12ના વર્ગો પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યા છે અને 26 જુલાઈથી ધોરણ 9-11 ધોરણની ઓફલાઇન સ્કૂલો પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શિક્ષણપ્રધાને આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યા છે.