ધોરણ 12& ગુજકેટનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહમાં મોરબીએ મારી બાજી

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તેમજ ગુજકેટ-2025ની પરીક્ષાના પરિણામની આજે, 5 મે, 2025ના રોજ જાહેરાત કરવામાં આવી. આ પરિણામ સવારે 10:30 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા રહ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહે 93.07 ટકાનું ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં મોરબી જિલ્લાએ 92.91 ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ જિલ્લો 59.15 ટકા સાથે સૌથી નીચલા સ્થાને રહ્યો. પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અપેક્ષા કરતાં વધુ સારા પરિણામથી ખુશ થયેલા વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને આનંદની ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ પણ જાહેર થવાનું છે.

વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રની દ્રષ્ટીએ ગોંડલે 96.60 ટકા સાથે બાજી મારી છે, જ્યારે દાહોદ કેન્દ્રનું પરિણામ 54.48 ટકા સાથે સૌથી ઓછું રહ્યું. વિજ્ઞાન પ્રવાહમાં 194 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું, જ્યારે 34 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું રહ્યું. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાએ 97.20 ટકા સાથે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવ્યું, જ્યારે વડોદરાનું પરિણામ 87.77 ટકા સાથે સૌથી ઓછું રહ્યું.

પરિણામ કેવી રીતે જોવું?

ધોરણ 12ના વિદ્યાર્થી પોતાનું પરિણામ જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ચકાસી શકે છે. જેમાં હોમપેજ પર દેખાતી ‘HSC Result 2025’ લિંક પર ક્લિક કર્યા બાદ. રિઝલ્ટ લોગઈન પેજ પર તમાર#GSEB HSC Result 2025 પર જઈને વિદ્યાર્થીને તેમનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે (જે તમારા એડમિટ કાર્ડ પર દર્શાવેલ છે). જે બાદ ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. વિદ્યાર્થીઓ તેમના વિષયવાર ગુણ અને કુલ સ્કોર જોઈ શકશે. પરિણામ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી શકાય છે. શાળાઓ દ્વારા પછીથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી 6357300971 નંબર પર તેમનો સીટ નંબર મોકલીને વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકે છે, જે તેમના ફોન પર સીધું જ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી ચાલી હતી.