અમદાવાદઃ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર રાત્રે ભડકેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે DSP સહિત ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. વાસ્તવમાં લોકોના એક મોટા જૂથે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો છે. પોલીસનું કહેવું છે કે જૂનાગઢ નગર નિગમે દરગાહને નોટિસ જારી કરીને પાંચ દિવસોની અંદર દસ્તાવેજ રજૂ કરવા માટે કહેતા આ ઘટના બની હતી.
શહેરના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈને વિવાદ સર્જાયો છે. આ દરગાહ ગેરકાયદે હોવાથી પાલિકાના અધિકારીઓ નોટિસ આપવા ગયા હતા. ત્યારે પોલીસ અને સ્થાનિક 500-600 લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ભીડે સંપત્તિમાં તોડફોડ કરી હતી અને પોલીસ વાહનોને આગ લગાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને ખસેડવા મામલે નોટિસ આપવા માટે ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો.
આ વિસ્તારમાં તંગદિલી સર્જાતાં પોલીસ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઉપરાંત પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરી હતી. તેટલું જ નહીં, અસામાજિક તત્ત્વોએ એસટી બસને પણ નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો.પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં પાંચ પોલીસકર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
અહીં ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વોએ એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડ્રાઇવર અને કંટક્ટરને ઈજા થઈ હતી. પોલીસ પરિસ્થિતિ થાળે પાડવા અને ‘અસામાજિક તત્ત્વોને શોધવા માટે ‘આખી રાત કોમ્બિંગ હાથ ધરી 174 શકમંદોની અટકાયત કરી છે.