પોરબંદર – ગુજરાતના પોરબંદર જિલ્લામાં છોકરીની છેડતીના બનાવમાંથી બે કોમના લોકોના જૂથ વચ્ચે ફાટી નીકળેલી અથડામણમાં બે પોલીસ તથા કેટલાક સ્થાનિકોને ઈજા થઈ છે.
અથડામણ શનિવારે મોડી રાતે કીર્તિ મંદિર વિસ્તારમાં ફાટી નીકળી હતી. બેકાબૂ ટોળાને નિયંત્રણમાં રાખવા માટે પોલીસોએ અશ્રુવાયુ છોડ્યો હતો. બેકાબૂ બનેલા લોકોએ પોલીસો પર પથ્થરમારો કર્યો હતો.
એક કોમના શખ્સે રસ્તા પરથી પસાર થતી અન્ય કોમની એક મહિલાની છેડતી કરી હોવાનો આરોપ મૂક્યા બાદ બંને કોમ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી, એમ પોરબંદરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શોભા બુટાડાનું કહેવું છે.
બંને કોમના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સામસામો પથ્થરમારો કર્યો હતો. એમાં બે પોલીસો ઘાયલ થયા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
સામાન્ય બોલાચાલીમાંથી મામલો બિચક્યો હતો અને બેકાબૂ ટોળાએ પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસોએ ટીયરગેસના 21 શેલ ફોડ્યા હતા.
પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લીધા છે અને તપાસ ચાલુ છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.