24 વર્ષથી અકસ્માત નિવારણ કેમ્પ યોજી બર્થ ડે ઉજવતાં ડો.પુરોહિત

અમદાવાદઃ આજની તીવ્ર ગતિથી દોડતી દુનિયામાં લોકો જ્યારે થાકે ત્યારે મનોરંજન માટે કોઇપણ બહાના હેઠળ ઉજવણી કરતા હોય છે.  બર્થ ડે હોય કે એનિવર્સરી, કોઇપણ પ્રસંગને ધ્યાન પર લઇ પાર્ટી શરૂ થઇ જાય અને કેક કટિંગ, હલ્લા ગુલ્લા અને ડાન્સ પાર્ટી થાય. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ માત્ર પોતે જ એન્જોય કરતા હોય છે પરંતુ આપણી આસપાસના સમાજમાં જ કેટલાક લોકો એવા છે કે જે પોતાના જીવનમાં આવતા ખાસ દિવસને અનોખી રીતે ઉજવે છે.

અમદાવાદના ડો. એચ. એસ. પુરોહિત પણ 24 વર્ષ થી પોતાની બર્થ ડે અનોખી રીતે ઉજવે છે.  આખો દિવસ બળબળતી બપોરે માર્ગ પર ઉભા રહી ટ્રેકટર ટ્રોલી, લોડિંગ રીક્ષા, ઉંટલારા, સાયકલો જેવા અનેક સાધનો પર રિફલેક્ટર લગાવી અકસ્માત નિવારણ કેમ્પનું આયોજન કરે છે.

ડો.પુરોહિત અને એમનો 21 જણ કરતાં વધારેનો સ્ટાફ સાહેબની બર્થ ડે ની ઉજવણી નિમિત્તે અકસ્માત નિવારણ કેમ્પમાં છાશ, ઠંડુ પાણી, અને પગરખાં વહેંચી સેવા કાર્યનો નિજાનંદ મેળવે છે.

Chitralekha.com ને ડો. પુરોહિતે કહ્યું કે હું 24 વર્ષ પહેલાં જ્યારે રાત્રીના સમયે ગાડીમાં એક હાઇવે પરથી પસાર થતો હતો તે સમયે અચાનક જ ઉંટલારી દેખાઈ નહીં અને આગળની કારના તમામ લોકોને સળીયા શરીરમાં ઘૂસી ગયા. ઉટલારીમાં લાદેલા તમામ સળીયા કારમાં ઘૂસી જતાં જ મારી સામે લોકો મરી રહ્યા હતાં અને હું બચાવી શક્યો નહીં. આ જ દિવસે મારો બર્થ ડે હતો. ત્યાર પછીના તમામ બર્થ ડેમાં જુદા જુદા હાઇવે, જ્યાં વાહન વ્યવહાર વધુ હોય એવી જગ્યાઓએ ઉભા રહી રિફલેક્ટર લગાવી લોકોમાં અવેરનેસ આવે એવા કેમ્પ કરું છું.

આજના કેમ્પમાં 600 –700 નંગ  રિફલેક્ટર્સ-સ્ટિકર્સ વાહનો પર લગાડ્યાં સાથે છાશ-ઠંડા પાણી અને સ્લીપર-ચંપલનું પણ વિતરણ કર્યું. ડો. પુરોહિત પોતાના જન્મદિવસે જે લોકહિતનું કાર્ય કરી રહ્યા છે તેનાથી  “વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે  રે… નરસિંહ મહેતાની આ પંક્તિ સાચા અર્થમાં સીદ્ધ થાય છે.

(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)