સીએમ રુપાણીએ એરફોર્સ હેલિકોપ્ટરથી ગીર-સોમનાથનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગીર સોમનાથમાં તો બારે મેઘ ખાંગા થયા છે. રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. ત્યારે વાતાવરણ ખરાબ હોવાને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ગીર-સોમનાથ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. જોકે બપોરના ત્રણેક વાગ્યાની આસપાપ સીએમ રુપાણી એરફોર્સના હેલિકોપ્ટરથી ગીરસોમનાથ રવાના થયાં હતાં. તેમની સાથે સીએસ જે એન સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ છે.

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલાં લોકો માટે ફૂડ પેકેટસનું વિતરણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. વિવિધ સંસ્થા તથા તંત્ર દ્વારા કરાયેલી રાહત અને બચાવ કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ 3500 લોકોને બચાવાયાં છે. આ પરિસ્થિતિ સંદર્ભે સીએમ રુપાણી પીએમ મોદીના સંપર્કમાં છે. પૂરના કારણે વિસ્તારમાં મોટા નુકસાનની આશંકા સેવાઇ રહી છે.સરકારના વિવિધ પ્રધાનો ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. આ અતંર્ગત કૃષિ પ્રધાન આર.સી ફળદુ અમરેલી જિલ્લાની મુલાકાત લશે. જયેશ રાદડિયા જૂનાગઢ જિલ્લાની તેમજ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ વલસાડ જિલ્લાની મુલાકાત લઈને અહીં બચાવ તેમજ રાહત કામગીરીની સમીક્ષા કરશે.

મહત્વનું છે કે ભારે વરસાદથી રાજ્યના કેટલાક વિસ્તારોની સ્થિતી અત્યંત ખરાબ છે ત્યારે રાજ્યમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમે 436 જેટલા લોકોને બચાવીને સલામત જગ્યાએ ખસેડ્યા છે. જેમાં સૌથી વધારે 279 લોકોને ગીર-સોમનાથ જિલ્લામાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સુરતમાં 85, નવસારીમાં 42 અને વલસાડમાં 30 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વરસાદને પગલે એનડીઆરએફની વધુ પાંચ ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમોને જરૂરિયાત પ્રમાણે વિવિધ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. હાલ વરસાદને કારણે ત્રણ નેશનલ હાઇવે તેમજ ચાર સ્ટેટ હાઇવે બંધ છે. આ ઉપરાંત 156 પચાંયત હસ્તકના હસ્તાઓ બંધ છે. વરસાદને કારણે કુલ 173 રસ્તાઓ બંધ છે.

હાઇલાઇટ્સ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : ગીરગઢડામાં ૨૦ ઇંચ; ઊનામાં ૧૪ ઇંચ અને કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ
રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા : સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૫૭.૨૭ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્રર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજિયનમાં ૫૭.૨૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૭/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક સુધી રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૪૯૬ મી.મી. એટલે કે ૨૦ ઇંચ, ઉના તાલુકામાં ૩૫૦ મી.મી. એટલે કે ૧૪ ઇંચ અને કોડીનાર તાલુકામાં ૩૩૦ મી.મી. એટલે કે ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મી.મી. એટલે કે ૧૧ ઇંચ, સૂત્રાપાડામાં ૨૪૫ મી.મી. એટલે કે ૧૦ ઇંચ જેટલો, ધરમપુરમાં ૨૨૫ મી.મી. એટલે કે નવ ઇંચ, વલસાડમાં ૨૧૭ મી.મી., વઘઇમાં ૨૦૦ મી.મી., પારડીમાં ૧૯૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચ, ખેરગામમાં ૧૯૫ મી.મી., રાજકોટમાં ૧૮૭ મી.મી., રાજુલા અને તળાજામાં ૧૭૫ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચ, મહુવામાં ૧૬૮ મી.મી., વેરાવળમાં ૧૪૯ મી.મી. મળી મળી કુલ બે તાલુકામાં છ ઇંચ, ચોટીલામાં ૧૪૩ મી.મી., કપરાડામાં ૧૩૪ મી.મી. અને મોરબીમાં ૧૨૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ, કાલાવડમાં ૧૨૦ મી.મી., ભરૂચમાં ૧૧૨ મી.મી., વાંકાનેરમાં ૧૧૦ મી.મી., તલાલા અને વાપીમાં ૧૦૬ મી.મી., બોટાદમાં ૧૦૨ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત વાંસદા તાલુકામાં ૯૭ મી.મી., લોધીકા અને આણંદમાં ૯૬ મી.મી., વાગરામાં: ૯૩ મી.મી. પડધરીમાં ૯૧ મી.મી., ખાંભામાં ૯૦ મી.મી., વડીયામાં ૮૮ મી.મી., માંગરોળમાં ૮૭ મી.મી., શિહોરમાં ૮૪ મી.મી., વીંછીયામાં ૮૩ મી.મી., ચીખલીમાં ૮૨ મી.મી., ગોંડલમાં ૮૦ મી.મી., ઘોઘામાં ૭૯ મી.મી., ભાવનગરમાં ૭૭ મી.મી., ડોલવણમાં ૭૬ મી.મી. મળી કુલ ૧૫તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે દાંતા તાલુકામાં ૭૨ મી.મી., કોટડા-સાંગાણીમાં ૭૦ મી.મી., નવસારીમાં ૬૯ મી.મી., ગઢડામાં ૬૮ મી.મી., રાણપુરમાં ૬૭ મી.મી., ચુડામાં ૬૫ મી.મી., થાનગઢ અને ઉમરાળામાં ૬૪ મી.મી., ટંકારા અને વીસાવદરમાં ૬૩ મી.મી., વલ્લભીપુરમાં ૬૨ મી.મી., ખેડામાં ૬૧ મી.મી., જામકંડોરણામાં ૬૦ મી.મી., માળીયા-મીયાણામાં ૫૯ મી.મી., પાલીતાણા અને ઉમરપાડામાં ૫૮ મી.મી., લાઠી અને જલાલપોરમાં ૫૭ મી.મી., ધ્રોલ અને કુતીયાણામાં ૫૬ મી.મી., નડિયાદ અને ગણદેવીમાં ૫૫ મી.મી., મૂળી અને કરજણમાં ૫૪ મી.મી., વડોદરામાં ૫૩ મી.મી., કેશોદમાં ૫૨ મી.મી., ખંભાતમાં ૫૧ મી.મી., હાલોલમાં ૫૦ મી.મી. મળી કુલ ૨૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.