ગાંધીનગરઃ કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. આ ફિટનેસ ચેલેન્જને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વીકારી હતી અને પોતાની ફિટનેસ દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં ફિટનેસ ચેલેન્જનો એક માહોલ ઉભો થયો છે અને આ ફિટનેસ ચેલેન્જ અંતર્ગત સતત લોકો એકબીજાને ફિટનેસ ચેલેન્જ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાને પણ પોતાને મળેલી ફિટનેસ ચેલેન્જ સ્વીકારી એક વીડિયો પોસ્ટ કર્યો છે. વિજય રૂપાણીએ હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને ફિટનેસ ચેલેન્જ આપી છે.
ફિટનેસ ચેલેન્જનો વીડિયો શેર કરતા મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતાની ફિટનેસના કારણે પહેલાથી જ કલાકો સુધી થાક્યા વગર કામ કરે છે અને તેમાંથી બધાએ પ્રેરણા લેવી જોઈએ. મુખ્યપ્રધાને જણાવ્યું કે જીવનમાં આગળ વધવા માટે ફિટનેસ પણ જરૂરી છે જેથી ફિટનેસ પ્રોગ્રામ એ દેશના લોકો માટે સારી શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આપેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારી હતી. વિરાટ કોહલીએ પોતાની એક્સરસાઈઝનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં પત્ની અનુષ્કા, ધોની અને પીએમ મોદીને વિરાટે ફિટનેસ ચેલેન્જ આપી હતી. જેને લઈને વડાપ્રધાન મોદીએ પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ ફિટનેસ ચેલેન્જનો આખો દોર શરૂ થયો છે.