જાણીતા કલાકાર વિરાજકુમારી મહિડાએ એમના દાદા અને પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ, સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાના વારસાને યાદ કરવા માટે ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની સ્થાપના કરી છે. આ એવોર્ડનો ઉદ્ઘાટન સમારોહ 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજપીપળા ખાતે યોજાશે.
રત્નસિંહજી મહિડા પુરસ્કાર દર વર્ષે આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે. જેમનું કાર્ય સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાએ જે મૂલ્યો રજૂ કર્યા હતા તેની સાથે સુસંગત હશે. પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ વિરાજ કુમારી, માનવેન્દ્રસિંહ ગોહિલ અને અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. નીતિશ ભારદ્વાજ સહિતની એક પેનલ દ્વારા કરવામાં આવશે.
વર્ષ 1957 થી રત્નસિંહજી મહિડા નું શિક્ષણ દ્વારા આદિવાસી સશક્તિકરણનું વિઝન શરૂ થયું હતું, તેમણે રાજપીપળાના રાજવી પરિવારના સમર્થનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ની સ્થાપના કરી હતી. આ સાથે જ તેમણે આશ્રમશાળા ઓ, છાત્રાલયો, શાળાઓ અને કોલેજો સહિત ૭૨ સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેમાં વંચિત આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને સહાય પૂરી પાડવામાં આવી હતી. જેના દ્વારા તેમના માટે તક સુનિશ્ચિત થઈ હતી.
પુરસ્કાર અંગે વાત કરતા વિરાજકુમારી મહિડાએ કહ્યું, ‘રત્નસિંહજી મહિડા એવોર્ડ’ની સ્થાપના કરીને, હું આશા રાખું છું કે તેમની સેવા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરનારાઓનું સન્માન કરીને તેમનું મિશન ચાલુ રાખીશું.”
રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે , “રાજપીપળાનો રાજવી પરિવાર હંમેશા સામાજિક સુધારણા અને ઉત્થાન માટે ખડેપગે રહ્યો છે. રત્નસિંહજી મહિડાના અથાક પ્રયાસો મારા પૂર્વજો માટે પ્રેરણારૂપ હતા, અને મને ખરેખર ગર્વ છે કે હું આ પહેલને સમર્થન આપું છું જે આપણા આદિવાસી સમુદાયોના અજ્ઞાત નાયકોને ઓળખે છે.”
