ચાંગા: ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સીસ (BDIPS)ના શૈક્ષણિક વર્ષ 2024-2025ના બેચલર અને માસ્ટર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો કમેન્સમેન્ટ પ્રોગ્રામ તાજેતરમાં 30મી જુલાઈએ ચારુસેટ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં BDIPSની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. આ પછી BDIPSના પ્રિન્સીપાલ ડો. હેમંત કુમાર અને ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના વડા ડો. ધારા પટેલે સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકાર આપ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાંથી ચારૂસેટમાં આવેલા પેરામેડીકલના વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે પેરામેડીકલ કોર્સ અને ચારુસેટની પસંદગી કરવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી તેઓને શ્રેષ્ઠ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી વિવિધ તકો, તાલીમ અને એક્સપોઝર પ્રાપ્ત થાય છે તેનો સદુપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને કહ્યું હતું કે કોરોના દરમિયાન અને પછી પેરામેડીકલ ફિલ્ડમાં ફરજ બજાવતા લોકોની કામગીરી નિહાળીને તેઓનું મૂલ્ય સમજાયું છે અને કોર્સની ડીમાન્ડ સતત વધતી જાય છે.
આસીસ્ટન્ટ પ્રોફેસર દેબાયન બૈધે વિદ્યાર્થીઓને BDIPS કોલેજ, કોલેજના વિવિધ વિભાગો અને ટીચિંગ પ્રેક્ટીસ વિષે માહિતી આપી હતી. અંતમાં મેડીકલ ઇમેજિંગ ટેકનોલોજીના વડા ડો. ડોલી શર્માએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BDIPS ની બી. એસ. સી. ઓપ્ટોમેટ્રી વિભાગની વિદ્યાર્થીની માહી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે BDIPS ના વિવિધ વિભાગોના વડાઓ, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન BDIPSના ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.