અમદાવાદઃ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક યાદવે રાજ્યના હમામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સૂકું હવામાન રહેશે, જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
રાજ્ય છેલ્લાં થોડાં વર્ષોથી કલાયમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ 10 અને 11 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 8-13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાંઈ રહી છે. રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) પસાર થવાનું છે. જેની કેટલીક લેયરો ગુજરાત સુધી લંબાઈ શકે છે. જેને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. તેઓ કહે છે કે 13થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે. આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થઈ શકે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ 12થી 18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.કચ્છ, સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં બે-ત્રણ દિવસ અમદાવાદ,અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે તાપી, નર્મદા, ભરુચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.