અમદાવાદ: ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાં ક્રિકેટ ચાહકોમાં આનંદની લહેર છવાઈ હતી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
ભારતની જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી જોવા મળી. અમદાવાદમાં સહિત ગુજરાત અને દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના સિંધુ ભવન રોડ અને મણિનગરમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરીને ઉત્સવ મનાવ્યો હતો. તિરંગા અને ઈન્ડિયા ઈન્ડિયાના નારાથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું હતું. ટ્રાફિક જામ થઈ જવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકો પરિવાર અને મિત્રોને સાથે રાખી ઘરોમાંથી બહાર નીકળ્યા, ટ્રાફિકમાં ઘૂંસી ગયા અને ભારતીય ટીમ માટે જુસ્સાભેર નારા લગાવ્યા. જમ્મુ, ઈન્દોર અને મુંબઈથી પણ ઉજવણીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્માએ 83 બોલમાં 76 રન ફટકાર્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. બોલિંગમાં કુલદિપ યાદવે 2 વિકેટ ઝડપી, જેમાં રચીન રવિન્દ્ર (37) અને કેન વિલિયમસન (11)ની કિંમતી વિકેટો સામેલ હતી. વરૂણ ચક્રવર્તિએ 2 વિકેટ ઝડપી અને રવીન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં ફક્ત 30 રન આપીને 1 વિકેટ ઝડપી, જે જીત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. શમી થોડો ખર્ચાળ સાબિત થયો, તેણે 9 ઓવરમાં 74 રન આપીને 1 વિકેટ મેળવી હતી. ભારતની આ જીતે ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રીજી વખત વિજેતા બનેલી ભારતીય ટીમે એકમાત્ર દેશ તરીકે આ ખિતાબ ત્રણ વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
