અમદાવાદઃ દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત સાયન્સ સિટીમાં પણ 25 એપ્રિલે પેંગ્વિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટી પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી. સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી આપી હતી.
આ મુલાકાતીઓએ જણાવ્યું હતું કે અન્ય પ્રાણી સંગ્રહાલયમાં જોવા ન મળતાં પેંગ્વિન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં જોઈને તેમને આનંદ થયો હતો. એ સાથે-સાથે દેશ-વિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ પણ તેમણે જોઈ હતી. ખાસ કરીને બાળકોને પેંગ્વિનને જોઈને મજા પડી ગઈ હતી. બાળકો પેંગ્વિન સાથે રમત કરતા જોવા મળ્યાં હતાં.
ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે. જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. પાંચેય પેંગ્વિને ગુજરાત સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે. પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે.