અમદાવાદઃ રાજ્યમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ઉત્તરાયણની ઉજવણી મુદ્દે સરકાર પોતાનાં સૂચનો પ્રમાણેનો સર્ક્યુલર કે નોટિફિકેશન બહાર પાડે. કોર્ટે કહ્યું હતું કે સોસાયટીમાં નિયમનું પાલન કરાવવાની જવાબદારી ચેરમેન-સેક્રેટરી રહેશે. જો નિયમોનું ઉલ્લંઘન થયું તો ચેરમેન-સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે કે ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્ય સરકાર કોઈ પણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવા લોકો ધાબે જઈ શકશે,પણ બહારના લોકો ધાબા પર આવીને ભીડ કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં ઉત્તરાયણની ઉજવણી મુદ્દે રજૂઆત કરતાં કહ્યું હતું કે એક વર્ષમાં રૂ. ૬૪૦ કરોડથી વધુના પતંગ વેચાય છે. એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. તેમને રોજગારી છીનવાઈ તો યોગ્ય નહીં.
તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે રાયપુર, ટંકશાળ રોડ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાવાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુની કડકાઈથી ચૂસતા અમલવારી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ગર્ભવતી મહિલાઓ ૬૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કોમોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય એ હિતાવહ છે.