કેન્સર ડે: કાંકરિયા પર કેન્સર અવેરનેસ વોકનું આયોજન

અમદાવાદઃ વિશ્વમાં ચોથી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ કેન્સર ડે અવેરનેસ’ ના જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે એક કેન્સર અવેરનેસ વોકનું આયોજન કર્યું હતું. આ અવેરનેસ વોકમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને મણિનગર મેડિકલ એસોસિયેશને પણ સહયોગ આપ્યો હતો.

શહેરના પૂર્વ વિસ્તારના રમણીય સ્થળ, ઐતિહાસિક કાંકરિયા તળાવ પર શનિવારની સવારે ડોક્ટર્સ, વિદ્યાર્થીઓ અને જીસીએસનો સ્ટાફ જોડાયો હતો.

કેન્સર ડે નિમિત્તે અવેરનેસ વોકમાં જોડાયેલા કેન્સર કથાકાર સુરેશ પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે…સૌપ્રથમ તો લોકો એ ધૂમ્રપાન, તમાકુ અને દારૂ જેવાં વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અતિશય જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ. પ્રદૂષિત જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.

મહિલાઓએ પણ એક ઉંમરના પડાવ પછી સ્તન કેન્સર જેવા ચેકઅપ કરાવવાં જોઈએ. જેથી કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકાય. આ વોકમાં એક સંદેશ એ પણ છે કે કેન્સરના દર્દીઓને યોગ્ય સારવાર મળે તો એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. કેન્સરથી ગભરાવાની જરૂર નથી. કાંકરિયા તળાવ પાસે કેન્સર અવેરનેસ માટેની વોકમાં જુદાં-જુદાં બેનર્સ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

(પ્રજ્ઞેશ વ્યાસ)